રાજપીપળા, ઉત્તરાયણનો તહેવાર કોરોનાની મહામારીમાં સરકારની ગાઈડલાઈનના પાલન સાથે લોકો ઉજવે તેને લઈ નર્મદા પોલીસે તૈયારીઓ શરૂ કરી દીધી છે.નર્મદા જિલ્લામાં ઉત્તરાયણના તહેવાર પર દરેક પોલીસ સ્ટેશન વિસ્તારમાં ધાબા પોઇન્ટ મુકવા આવશે.પોલીસ કર્મીઓ દૂરબીનથી ધાબા પર વોચ રાખશે અને જ્યાં પણ લોકોનું ટોળું અને માસ્ક વગર દેખાશે એટલે તરત જ સ્થાનિક પોલીસને જાણ કરી અને તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે.  

નર્મદા જિલ્લા પોલીસ વડા ડો.હિમકર સિંહે જણાવ્યું હતું કે ઉતરાયણમાં વિદેશી દારૂની હેરાફેરી ન થાય એ માટે જિલ્લાના અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ સમયે પોલીસ ચેકીંગ કરી રહી છે.નર્મદા જિલ્લામાં ૪ જેટલા ડ્રોન અને વીડિયોગ્રાફીની મદદથી સંવેદનશીલ વિસ્તારોમાં પણ વોચ રાખવામાં આવશે.ઉત્તરાયણના દિવસે તેમજ કોઈ પણ જાહેર સ્થળો/ ખુલ્લા મેદાનો રસ્તાઓ પર પતંગ ચગાવવા એકત્રીત ન થાય તે અંગે ઉત્તરાયણના આગળના દિવસે, ઉત્તરાયણ તેમજ વાસી ઉત્તરાયણના દિવસે અસરકારક પોલીસ પેટ્રોલીંગ/ બંદોબસ્ત ગોઠવી દેવાશે.