વડોદરા, તા.૧૪

વડોદરા જિલ્લાના ડભોઈ ખાતે જિલ્લા ભાજપાના અધ્યક્ષ અશ્વિન પટેલ (કોયલી)ની વિશેષ ઉપસ્થિતિમાં ડો. બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતી પ્રસંગે આંબેડકર ચોક ખાતે બંધારણના ઘડવૈયા ડો. બાબાસાહેબની ૧૩૦મી જન્મજયંતીની ઉજવણી કરવામાં આવી હતી. ડભોઈ ન.પા. દ્વારા બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર વિધિ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે સ્થળ પર કેક કાપીને ઉજવણી કરવામાં આવી હતી. આ ઉપરાંત મહિલાઓને સાડી ઉપરંત માસ્ક, સેનિટાઈઝરની મફત વિતરણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમને લઈને ઘટનાસ્થળે મોટી સંખ્યામાં ભાજપાના અગ્રણીઓ અને કાર્યકરો ઉપરાંત મફત વિતરણના લાભાર્થીઓ ઉપસ્થિત રહેતાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઊડયા હતા. એક તરફ નિર્દોષ પ્રજા પાસેથી કડકાઈથી કાયદાનો ડર બતાવીને શાસકો તગડો દંડ વસૂલી રહ્યા છે જ્યારે બીજી તરફ આજના ભાજપાના શાસકો પોતે ઘડેલા નિયમો અને કાયદાઓને જાણે કે ખિસ્સામાં લઈને ફરતા હોય એવી રીતે એનું લગીરેય પાલન કરતા નથી. આમ એક જ બાબતે અલગ અલગ કાટલા રાખતા શાસકો સામે આ પ્રશ્ને ઉગ્ર આક્રોશની લાગણી પ્રવર્તી રહી છે. કોવિડના નિયમોનો ભગં કરનાર જિલ્લા ભાજપ પ્રમુખ અશ્વિન પટેલ અને ડભોઈ ભાજપાના અગ્રણીઓ સામે કાર્યવાહી કરવાની માગ ઊઠી છે. જાે કે, આટલો મોટો સમારોહ યોજવા છતાં પણ સ્થાનિક પોલીસ અને તંત્ર દ્વારા આંખ મીચાણા કરાતાં સ્થાનિક પ્રજામાં આ અંગે ચર્ચાનો વિષય બની રહ્યો છે. ખુદ ભાજપાના કેટલાક નેતાઓએ આ બાબતની આકરી ટીકા કરી છે જ્યારે કેટલાકે પક્ષની આબરુનું લીલામ થતું હોઈ મૌન સેવી લીધું હતું.