ગણદેવી -

ધમડાછા વિભાગ શિક્ષણ મંડળ ,ધમડાછા દ્વારા સંચાલિત દેસાઈ કે.કે.સાર્વજનિક હાઈસ્કૂલ ચાલુ વર્ષે બીજી વખત રાજ્યકક્ષાએ ભાગ લેવા જઈ રહી છે. શાળાના ઉચ્ચતર માધ્યમિક વિભાગના શિક્ષિકા સારિકાબેન આર.નાયક એ શિક્ષકો માટે નવતર પ્રયોગ રજૂ કરવાના સરકારના ઇનોવેશન ફેરના આયોજનમાં સૌ પ્રથમ તાલુકા કક્ષાએ ભાગ લઈ પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો હતો. ત્યારબાદ એમને જિલ્લા કક્ષાએ ભાગ લઈ 64 જેટલા શિક્ષકોમાં પ્રથમ ક્રમે વિજેતા બની રાજ્યકક્ષાએ ભાગ લેવા માટે પસંદ થયા છે. આ તબક્કે એમની આ વિશિષ્ટ સિદ્ધિ બદલ ધમડાછા વિભાગ શિક્ષણ મંડળના પ્રમુખ અનિલભાઈ આર.વશી, મંત્રી મુકેશભાઈ એમ.વશી, આચાર્ય અશ્વિનભાઈ આર.પટેલ, શાળા પરિવાર અને સમગ્ર વિભાગમાંથી અભિનંદન પાઠવવામાં આવ્યા છે. તેઓ રાજ્યકક્ષાએ પણ સફળતા પ્રાપ્ત કરે એ માટે પણ સૌએ એમને હાર્દિક શુભેચ્છા પાઠવી હતી. એમણે ધો.11 ના આંકડાશાસ્ત્ર વિષયના કઠિન મુદ્દાઓને સરલ બનાવવા માટે શૈક્ષણિક સાધનો અને જૂથકાર્યના સફળ પ્રયોગ પર પોતાનું ઇનોવેશન રજૂ કર્યું હતું.