ધાનેરા-

ધાનેરા માર્કેટયાર્ડની ચુંટણી શુક્રવારના રોજ યોજાઇ હતી જેમાં વહેલી સવારથી મતદારો પોતાના મત આપવા માટે આવી પહોંચ્યા હતા અને કોરોનાને લઇને તેની ગાઇડલાઇન મુજબ મતદારોને મતદાન કરવા માટે મોકલવામાં આવ્યા હતા અને સાંજ સુધીમાં ૯૮.૬૩% મતદાન થયુ હતુ. માર્કેટયાર્ડની ચૂંટણીમાં ૧૬ બેઠકો માટે ૯૯ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. જોકે, રાજકિય આગેવાનો દ્વારા ચૂંટણી બીનહરીફ કરવા ભારે જહેમત ઉઠાવતા વેપારી વિભાગની ચાર બેઠક અને અન્ય વિભાગની બે બેઠક બીનહરીફ થઈ હતી. ખેડૂત વિભાગમાં ૧૦ બેઠકો માટે ૧૮ ઉમેદવાર મેદાનમાં હોવાથી શુક્રવારે મતદાન યોજાયું હતુ. શુક્રવારે વહેલી સવારથી જ માર્કેટયાર્ડમાં તાલુકાના અગ્રણીઓ તેમજ અન્ય લોકો ઉમટ્યા હતા. ચૂંટણી અધિકારીની ટીમ દ્વારા ખેડૂત વિભાગના ૧૮૯૨ મતદારોને મતદાન માટે ૫ બુથ ઉભા કરાયા હતા અને ચુસ્ત પોલિસ બંદોબસ્ત સાથે સવારે ૯ વાગ્યે મતદાન શરુ કરવામાં આવેલ અને સાંજે પાંચ વાગ્યા સુધીમાં ૧૮૬૬ મતદારોએ મતદાન કરતાં ૯૮.૬૩% મતદાન થયું હતું. મતદાન પુર્ણ થતાં ઉમેદવારો તેમજ તેમના ટેકેદારો પોતાના મત બાબતે ચર્ચા કરતા જોવા મળ્યા હતા. આજે સવારે ૯-૦૦ કલાકેથી મતગણતરી પણ હાથ ધરવામાં આવનાર છે.