વડોદરા : દાંડિયાબજાર વિસ્તારમાં રહેતા ધર્મેશ કહારની ભેદી સંજાેગોમાં હત્યા કરીને તેની લાશને દુમાડ ગામની સીમમાં ફેંકી દેવાના બનાવમાં તાલુકા પોલીસે તપાસ શરૂ કરતા ધર્મેશ પણ માથાભારે હોવાની તેમજ તે ૧૮ જેટલા મારામારી સહિતના ગુનામાં સંડોવાયેલી હોવાની વિગતો મળી હતી. તેની ઝઘડાની અદાવતે હત્યા કરાઈ હોવાની પોલીસને પ્રબળ શંકા હોઈ પોલીસે હાલમાં મુખ્ય આરોપી સહિત પાંચ શંકાસ્પદ યુવકોની અટકાયત કરી છે જેઓની પુછપરછમાં ટુંક સમયમાં હત્યાનો ભેદ ઉકેલાશે તેમ મનાઈ રહ્યું છે.  

દાંડિયાબજાર કહાર મોહલ્લામાં રહેતો ૨૬ વર્ષીય ધર્મેશ સત્યનારાયણ કહાર ગત રવિવારે મિત્રની બર્થડે પાર્ટીમાં જવાનું કહીને નીકળ્યા બાદ ભેદી સંજાેગોમાં ગુમ થયો હતો અને ગઈ કાલે બપોરે તેની દુમાડ ગામની સીમમાં હત્યા કરીને ફેકીં દેવાયેલી વિકૃત હાલતમાં લાશ મળી હતી. આ બનાવની તાલુકા પોલીસે અજાણ્યા હત્યારાઓ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. સુત્રોના જણાવ્યા મુજબ રવિવારે રાત્રે સવા બાર વાગ્યા સુધી ધર્મેશ ઘરે પાછો નહી આવતા તેની પત્નીએ તેને ફોન કર્યો હતો જેમાં તેણે તે કિશનવાડીમાં ગધેડામાર્કેટ પાસે દશામાના મંદિર પાસે હોવાનું જણાવ્યું હતું. જાેકે ત્યારબાદ રાત્રે એક વાગ્યાથી તેનો ફોન સ્વીચઓફ આવતો હોઈ પરિવારજનો ફરી સંપર્ક કરી શક્યા નહોંતા જેથી તેની રવિવારે રાત્રે જ હત્યા કરાઈ હોવાનું મનાઈ રહ્યું છે.

બીજીતરફ પોલીસને એવી પણ વિગતો મળી હતી કે ધર્મેશ પણ ભારે ઝનુની સ્વભાવનો હતો અને તેની વિરુધ્ધ પણ મારામારી અને નશાબંધી સહિતના ૧૮ જેટલા ગુનાઓ નોંધાયા હતા. તેની સાથે ઝઘડો કરનાર લોકોએ જ તેની હત્યા કરી હોવાની પ્રબળ શંકાના આધારે શહેર-જિલ્લા પોલીસે સંયુક્તરીતે તપાસ શરૂ કરી છે અને હત્યામાં સંડોવાયેલા પાંચ શંકાસ્પદોની ઝડપી પાડ્યા છે. આ પૈકીના મુખ્ય આરોપીએ ગુનાની કબૂલાત કરી હોવાની પણ વિગતો સાંપડી છે પરંતું પોલીસ સુત્રોએ તેને સત્તાવાર સમર્થન આપ્યું નથી. જાેકે આવતીકાલ સુધી પોલીસ સમગ્ર બનાવનો ભેદ ઉકેલી નાખશે તેમ સુત્રોએ જણાવ્યું હતું.

દારૂના ધંધામાં ગેંગવોરની ‘લોકસત્તા’એ દહેશત વ્યક્ત કરેલી 

ધર્મેશ કહાર પણ દેશી દારૂના ધંધામાં સંડોવાયેલો હોઈ તેની સાથે કિશનવાડીમાં રહેતા અન્ય બૂટલેગર અને ખેપિયાઓ સાથે હરિફાઈના કારણે ઉગ્ર ઝઘડો થયો હતો. થોડાક સમય અગાઉ જ ધર્મેશ કહારે અજય તડવી નામના યુવક પર ગંભીર હુમલો કર્યો હતો. આ બનાવ બાદ ‘લોકસત્તા-જનસત્તા’એ શહેરમાં દારૂની રેલમછેલ છે અને દારૂના ખેપિયા અને બૂટલેગરો વચ્ચે ચાલતી હરિફાઈમાં ગેંગવોરના એંધાણની દહેશત તેમજ તેમાં કોઈનો ભોગ લેવાશે તેવી પણ આશંકા વ્યક્ત કરી હતી જે ધર્મેશ કહારની હત્યાના પગલે સાચી સાબિત થઈ છે.

ધર્મેશનો મોબાઈલ ફોન હજુ પોલીસને નથી મળ્યો

ધર્મેશનો મોબાઈલ ફોન હજુ પોલીસને મળ્યો નથી જેથી પોલીસે ધર્મેશે હત્યા અગાઉ કેટલા લોકો સાથે વાત કરી હતી તે જાણવા કોલ્સ ડિટેઈલ્સ મેળવવાની તજવીજ શરૂ કરી છે. આ ઉપરાંત તે રાત્રે કોની બર્થ ડે પાર્ટીમાં ગયો હતો તેની પણ તપાસ શરૂ કરી છે. ધર્મેશની લાશ વિકૃત હાલતમાં મળતા પોલીસે પોસ્ટમોર્ટમ દરમિયાન તેના વિસેરા પણ મેળવી તેને એફએસએલમાં તપાસ માટે મોકલી આપ્યા છે.