વડોદરા : દાંડિયાબજાર કહાર મોહલ્લામાં રહેતા ધર્મેશ કહારની હત્યા કરીને તેની લાશને દુમાડ ગામની સીમમાં પાણીના નાળામાં ફેંકી દેવાના ચકચારભર્યા બનાવનો પીસીબી પોલીસે ભેદ ઉકેલ્યો છે. ધર્મેશે થોડાક સમય અગાઉ જે યુવક પર હુમલો કરી તેને ગંભીર ઈજા પહોંચાડી હતી તે જ યુવકે તેના બે સાગરીતો સાથે મળીને ધર્મેશની હત્યાનો કારસો ઘડ્યો હતો અને નક્કી કર્યા મુજબ તેઓએ ધર્મેશને જમવા માટે લઈ જવાના બહાને અંતરિયાળ વિસ્તારમાં લઈ જઈ તેની કરપીણ હત્યા કરી હતી અને લાશને ફેંકી દઈ ફરાર થયા હતા.  

દાંડિયાબજાર કહાર મોહલ્લામાં રહેતો ૨૬ વર્ષીય પરિણીત ધર્મેશ ઉર્ફ બટકો સત્યનારાયણ કહાર ગત ૧૩મી તારીખે મિત્રની બર્થડેમાં જવાનું કહીને ઘરેથી નીકળીને કિશનવાડી વિસ્તારમાં ગયો હતો અને રાત્રે સવા બાર વાગે તેની પત્ની સાથે છેલ્લે મોબાઈલ પર ફોન પર વાત કર્યા બાદ તેનો ફોન સ્વીચઓફ થયો હતો અને ત્યારબાદ તે ભેદી સંજાેગોમાં ગુમ થયો હતો. પરિવારજનો તેની શોધખોળ કરતા હતા તે દરમિયાન બે દિવસ અગાઉ દુમાડ ગામની સીમમાં વ્યાસેશ્વર મંદિર તરફ જતા રોડ પર તેની વિકૃત હાલતમાં હત્યા કરાયેલી લાશ મળી હતી. આ બનાવની તાલુકા પોલીસ મથકમાં ધર્મેશની હત્યાની અજાણ્યા આરોપીઓ વિરુધ્ધ ગુનો નોંધાયો હતો.

દરમિયાન આ ગુનાની તપાસમાં શહેર પોલીસ પણ જાેડાઈ હતી અને પોલીસે ધર્મેશના કોલ્સ ડિટેઈલ્સ તેમજ તેના ગુનાઈત ભુતકાળને ધ્યાને લઈ તપાસ શરૂ કરી હતી. જાેકે બે દિવસ સુધી પોલીસને કોઈ સગડ મળી શક્યા નહોંતો પરંતું આ દરમિયાન ધર્મેશ સાથે થોડાક સમય અગાઉ ઝઘડો કરનાર અને ઝઘડામાં ગંભીર રીતે ઘાયલ થયેલો ૨૦ વર્ષીય અજય ઉર્ફ ભુરિયો ભુપેન્દ્ર તડવી (કિશનવાડી, વુડાના મકાનમાં) જે બાપોદ પોલીસ મથકના મારામારીના ગુનામાં વોન્ટેડ હતો તે બે દિવસ અગાઉ વારસિયા પોલીસ મથકમાં જાતે હાજર થયો હતો. આ અંગેની વારસિયા પોલીસ દ્વારા બાપોદ પોલીસને જાણ કરવામાં આવતા બાપોદ પોલીસે તુરંત વારસિયા આવીને અજયની અટકાયત કરી હતી. જાેકે તે શંકાસ્પદ રીતે જાતે પોલીસમાં હાજર થયો હોવાની જાણ થતાં આ બનાવની તપાસમાં જાેડાયેલી પીસીબી પોલીસે અજયની બાપોદ પોલીસ મથકના ગુનામાં ધરપકડ થાય તે અગાઉ તેની પુછપરછ શરૂ કરી હતી. શરૂઆતમાં પોલીસને ગોળગોળ જવાબ આપ્યા બાદ આખરે તેણે ધર્મેશની હત્યા કરી હોવાનો ઘટસ્ફોટ કરતા સમગ્ર બનાવનો ભેદ ઉકેલાયો હતો.

તેણે પોલીસને જણાવ્યું હતું કે આજથી બે માસ અગાઉ કિશનવાડી ગધેડામાર્કેટ પાસે આવેલા આરો પ્લાન્ટ પાસે તેને ધર્મેશ અને ધર્મેશના મિત્ર રાજ ઉર્ફ કારો સાથે ઝઘડો થયો હતો. આ ઝઘડો વધી જતા ધર્મેશ અને રાજે ભેગા મળીને અજય પર ચાકુથી હુમલો કરી તેના છાતીના ભાગે ચાકુના ઘા ઝીંકી તેની હત્યાનો પ્રયાસ કર્યો હતો. આ બનાવની બાપોદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે ધર્મેશ અને રાજની ધરપકડ કરી હતી અને તેઓને જેલભેગા કર્યા હતા. જાેકે આ હુમલાનો બદલો લેવા અજય અને તેના મિત્રોએ તે જ વખતે પ્લાન ઘડ્યો હતો અને ધર્મેશ જામીન મુક્ત થાય તેની રાહ જાેતા હતા. તાજેતરમાં ધર્મેશ જામીન પર છુટ્યો હોવાની જાણ થતાં અજય તેમજ તેના મિત્રો ૨૧ વર્ષીય જીગ્નેશ ઉર્ફ કારો ભુરાજી મારવાડી (હરિહર એપાર્ટમેન્ટ,વારસિયા) અને ૧૮ વર્ષીય કરણ ઉર્ફ છોટે સિવાસીંગ સરદાર (પટેલપાર્ક ઝુપડપટ્ટી, વારસિયા)એ ધર્મેશ પર વોચ ગોઠવી હતી.

 ગત રવિવારે ધર્મેશ કિશનવાડી વિસ્તારમાં આવતા તે આરો પ્લાન્ટ પાસે બેઠેલા અજય અને જીગ્નેશને જાેઈ તેમને મળ્યો હતો અને ત્યારબાદ તેઓએ જમવા જવાના બહાને એક્સેસ મોપેડ પર ત્રણેય જણા બેસીને નજીક આવેલા ઓટોગેરેજ પર ગયા હતા અને તેઓ કરણ સરદારને મળ્યા હતા. અજય અને જીગ્નેશ મોપેડ પર ધર્મેશને બેસાડીને દેણાચોકડી પાસે દાલબાટીની હોટલ પર સિગારેટ પીવા ઉભા હતા તે સમયે સરદાર પણ તેના મિત્રની બાઈક પર ત્યાં આવ્યો હતો. તેનો મિત્ર તેને છોડીને રવાના થતાં આ ચારેય એક જ મોપેડ પર બેસીને દુમાડ ગામ પાસે ગયા હતા. તેઓએ એક વાર લઘુશંકાના બહાને ધર્મેશને હત્યા માટે ઉતાર્યો હતો પરંતું ત્યાં અવરજવર હોઈ તેઓ ચાલો આગળ તપાસ કરીયે તેમ કહીને દુમાડગામની સીમમાં ગણપતપુરા ગામ જવાના રોડ પર સ્મશાન પાસે ગયા હતા જયાં એકાંત અને અંધારુ હોઈ અજયે એક્સેસ ઉભુ કરી દેતા જ પાછળ બેઠેલા સરદારે તેના હાથ પકડી રાખ્યા હતા અને અજયે તેના પેટ અને છાતીમાં છરાના ઘા ઝીંક્યા હતા અને ધર્મેશ નીચે ચત્તો પડી જતા તેના બંને સાગરીતોએ પણ વારાફરતી તેના પીઠના ભાગે ચાકુના ઘા ઝીંક્યા હતા. તરફડિયા માર્યા બાદ ધર્મેશ શાંત થતા જ તેઓએ તેને ઉંચકીને નજીક આવેલા પાણી ભરેલા નાળામાં ફેંક્યો હતો અને ત્યાંથી પરત આવી ગયા હતા. પરત આવી તેઓ કારેલીબાગમાં ચા પીવા માટે ગયા હતા વહેલી સવાર સુધી ત્યાં રોકાઈને ઘરે આવ્યા બાદ અજય દમણ જતો રહ્યો હતો જયારે તેના બંને સાગરીતો કામે લાગી ગયા હતા.આ વિગતોના પગલે પોલીસે અજય અને તેના બંને સાગરીતોને ઝડપી પાડી તેઓની પાસેથી હત્યામાં વપરાયેલું એક્સેસ મોપેડ, બે મોબાઈલ ફોન અને છરા સહિત ૪૦,૫૦૦ની મત્તા કબજે કરી હતી.

પી.આઈ.કાનમિયા પાણીપુરી વેંચવા ઉભા રહ્યા

અજયે હત્યાની કબુલાત કરતા પોલીસે જીગ્નેશને પણ ઝડપી પાડ્યો હતો. દરમિયાન પોતાના બંને સાગરીતો ઝડપાયાની જાણ થતાં કરણ ઉર્ફ સરદાર પોલીસથી બચવા માટે નાસતો ફરતો હતો. તે તેના વિસ્તારમાં આવશે તેવી જાણ હોઈ પોલીસે તેને ઝડપી પાડવા માટે છુપાવેશે ટ્રેપ ગોઠવી હતી જેમાં પીસીબી પીઆઈ આર સી કાનમિયા બંસીધર પાણીપુરીની લારી પર ભૈયાજીનો વેશ ધારણ કરી પાણીપુરી વેચવા ઉભા થયા હતા. જયારે તેમના સ્ટાફને પીએસઆઈ એ ડી મહંત કિશનવાડીમાં રિક્ષાચાલકના સ્વાંગમાં રિક્ષામાં બેઠા હતા, આ ઉપરાંત એએસઆઈ કાર્તિકસિંહ જાડેજા વુડાના મકાન સામે પાનના ગલ્લા પર બેસી રહ્યા હતા અને હેકો કાળુભાઈ ખાટાભાઈ વુડાના મકાન પાસે શાકભાજીની લારી લઈને વોચમાં ઉભા હતા. આ દરમિયાન સરદાર મોપેડ લઈને ત્યાં આવતા તે એક પોલીસ જવાનને ઓળખી જતા તેણે ભાગવાનો પ્રયાસ કર્યો હતો. આ દ્રશ્યના પગલે પીઆઈ કાનમિયાએ લારી પાછળથી દોડીને સરદારનો પીછો કર્યો હતો અને તેને ચાલુ ગાડીને ધક્કો મારી પાડી દઈ તે પણ તેની પર પડ્યા હતા અને તેને ઝડપી પાડ્યો હતો. એક તબક્કે તો પાણીપુરીવાળાનો ઝઘડો થયો છે તેમ માની ટોળુ ભેગુ થયું હતું પરંતું અન્ય પોલીસ સ્ટાફ ત્યાં દોડી આવતા તેઓ સરદારને પોલીસ ગાડીમાં લઈને તુરંત રવાના થયા હતા.

અજ્જુ મેરી જાન, મને મારી નાખ, હું બચ્યો તો તને મારી નાખીશ

ધર્મેશને જમવા માટે લઈ જવાના બહાને દેણા ગામની સીમમાં લઈ જઈ ત્રિપુટીએ ધર્મેશને છરાના ઘા ઝીંકવાના શરૂ કર્યા હતા. જાેકે સરદારે હાથ પકડી રાખતા અજય પેટ અને છાતીમાં છરાના ઘા ઝીંકતો હોઈ ધર્મેશે તેને જણાવ્યું હતું કે અજ્જુ મેરી જાન..તું આજે મને મારી નાખજે નહીતર હું બચી ગયો તો હું તને મારી નાખીશ, ધર્મેશની આ વાત સાંભળીને ત્રિપુટીએ વધુ ઝનુનભેર તેને ઘા ઝીંકીને પતાવી નાખ્યો હતો.

બે માસ પૂર્વે અજયે હોસ્પિટલના બિછાનેથી ધર્મેશની હત્યાની ચિમકી આપી હતી

બે માસ અગાઉ ધર્મેશે ચાકુથી કરેલા હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા અજયે હોસ્પિટલના બિછાનેથી જ તેના મિત્રો સમક્ષ ચિમકી ઉચ્ચારી હતી કે જાે હું બચી ગયો તો ધર્મેશ આ દુનિયામાં નહી રહે. આ ચિમકીના બે જ માસમાં તેણે સાગરીતો મળી ધર્મેશની હત્યા કરી હતી. ઉલ્લેખનીય છે કે હત્યા બાદ ત્રણેય જણા વડોદરા પરત આવ્યા હતા અને અજયે તેના ભાઈને જણાવ્યું હતું કે અમે કિચડમાં પડી જતા અમારા કપડા ખરાબ થયા છે માટે તું ત્રણ જાેડ કપડા લઈ આવ. ભાઈ કપડા આપી જતા ત્રણેયે હત્યા સમયે પહેરેલા કપડા અને પગરખા બાળી નાખ્યા હતા તેમજ હત્યામાં વપરાયેલો છરો સરદારે તેના ભાઈ રવિને બોલાવીને આપી દીધો હતો.

નશો કરેલી હાલતમાં ધર્મેશે કહ્યું ચાલ અજય મને જમાડ અને ત્યાં જ પ્લાન ઘડાયો

ધર્મેશની હત્યા કરનાર અજય એક સમયે ધર્મેશનો સાગરીત હતો અને તેના હાથ નીચે જ ગુનાખોરીના પાઠ શીખ્ય હતો. ગત રવિવારે રાત્રે ધર્મેશ નશો કરેલી હાલતમાં એકલો આરો પ્લાન્ટ પાસે બેઠેલા અજય અને જીગ્નેશ પાસે ગયો હતો અને અગાઉનો ઝઘડો ભુલી તેણે સમાધાન માટે અજયને કહ્યું હતું કે ચાલ આજે મને તું જમાડ. ધર્મેશને પતાવી નાખવાનો મોકો શોધી રહેલા અજય અને જીગ્નેશે તેને નશો કરેલી હાલતમાં જાેતા જ તેને પતાવી નાખવાનો પ્લાન ઘડ્યો હતો અને તેઓએ સરદારને જાણ કરી આગળ રવાના થયા હતા અને આ દરમિયાન સરદાર ઘરેથી છરો લઈને દેણા ગામ પાસે આવી જતા ચારેય જણા મોપેડ પર રવાના થયા હતા.

ધર્મેશ અને તેના હત્યારાઓ રીઢા ગુનેગારો

ધર્મેશ કહાર સામે મારામારીના ૬ અને દારૂબંધીના ૫ ગુના નોંધાયેલા હતા અને તે એક વાર પાસા હેઠળ જેલમાં ગયો હતો. જયારે તેના હત્યારા પૈકી અજય તડવી સામે ૨૦૧૪ અને ૨૦૧૮માં વારસિયા અને બાપોદ પોલીસ મથકમાં મારમારીના ગુના નોંધાયેલા છે જયારે તે કુખ્યાત સુરજ ઉર્ફ ચુઈએ જેલથી ઓડી કારમાં રેલી કાઢવાના ગુનામાં સંડોવાયેલો છે. જયારે જીગ્નેશ પણ વારસિયામાં મારામારીના ગુનામાં જયારે વાસદ અને વડોદરા તાલુકા પોલીસ મથકમાં નશાબંધીના ગુનામાં સંડોવાયેલા છે.