નવી દિલ્હી

ચેન્નઈ સુપર કિંગ્સ વિરુદ્ધ આઈપીએલના 23મા મુકાબલામાં હૈદરાબાદના કેપ્ટન ડેવિડ વોર્નરે ધીમી ઈનિંગ રમી અને 55 બોલનો સામનો કરતા બે છગ્ગા તથા 3 ચોગ્ગાની મદદથી 57 રન બનાવ્યા હતા. ડેવિડ વોર્નરની આઈપીએલમાં આ 50મી અડધી સદી છે. તે આઈપીએલના ઈતિહાસમાં 50મી અડધી સદી ફટકારનાર પ્રથમ બેટ્સમેન બની ગયો છે.

વોર્નરના નામે હવે આઈપીએલમાં 50 અડધી સદી થઈ ગઈ છે. તે આ સિદ્ધિ મેળવનાર પ્રથમ બેટ્સમેન છે. તેણે 148મી મેચમાં આ રેકોર્ડ બનાવ્યો છે. વોર્નરના નામે આઈપીએલમાં 5447 રન છે. ચાર સદી પણ વોર્નરે ફટકારી છે. ત્યારબાદ શિખર ધવન છે. ધવનના નામે 43 અડધી સદી છે. તો વિરાટ કોહલી અને રોહિત શર્માએ ઈન્ડિયન પ્રીમિયર લીગમાં 40-40 અડધી સદી ફટકારી છે.

ડેવિડ વોર્નરે સીએસકે સામે પોતાની અડધી સદી દરમિયાન ટી20 ક્રિકેટમાં 10 હજાર રન પણ પૂરા કર્યા છે. તે આ સિદ્ધિ મેળવનાર ચોથો બેટ્મસેન બન્યો છે. વોર્નર પહેલા ટી20 ક્રિકેટમાં ક્રિસ ગેલ, કિરોન પોલાર્ડ અને શોએબ મલિક આ કમાલ કરી ચુક્યા છે. ટી20 ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવવાના મામલામાં ક્રિસ ગેલ પ્રથમ નંબર પર છે, તો પોલાર્ડ બીજા અને શોએબ મલિક ત્રીજા સ્થાને છે. તો ડેવિડ વોર્નરના હવે ટી20 ક્રિકેટમાં 10,017 રન થઈ ગયા છે.

ટી20 ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર ટોપ-4 બેટ્સમેન

13,839 રન- ક્રિસ ગેલ

10,694 રન- કિરોન પોલાર્ડ

10,488 રન - શોએબ મલિક

10,017 રન - ડેવિડ વોર્નર