હાલોલ : પાવાગઢ મંદિર પરિસરનો એક ભાગ તૂટી પડ્યો હતો આ દુર્ઘટનાની જાણ મંદિર પ્રશાસન અને જે તે તંત્ર ને થતા તેઓ સ્થળ પર પહોંચી ગયા હતા. રવિવાર હોવાના કારણે પાવાગઢ માતાજીના દર્શન માટે લગભગ ૪૦ થી ૫૦ હજાર જેટલા શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા જેવામાં આ દુર્ઘટના સર્જાતા લોકો માં અફડા તફડી મચી જવા પામી હતી અને કોઈ જાનહાની ન થઈ હોવાથી તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.મંદિર પરિસરનો ભાગ ધરાશાયી થતાં શ્રદ્ધાળુઓમાં ગભરાતનો માહોલ જોવા મળ્યો હતો. પંચમહાલનું સુપ્રસિદ્ધ યાત્રા ધામ પાવાગઢ મંદિર કોરોનાની મહામારી વચ્ચે છેલ્લા લાંબા સમય સુધી શ્રદ્ધાળુઓ માટે બંધ કરી દેવામાં આવ્યું હતુ પરંતુ ત્યારબાદ સરકારની ગાઇડલાઇન મુજબ હાલ પાવાગઢ મંદિરને દર્શનાર્થીઓ માટે ખુલ્લું મુકવામાં આવ્યું છે. એકબાજુ પાવાગઢ મંદિર ખાતે હાલ રિનોવેશનની કામગીરી ચાલી રહી છે, ત્યારે મંદિર પરિસર અને તેની આસપાસની જગ્યાઓમાં જુનુ બાંધકામ ઉતારવાની કામગીરી પણ ચાલી રહી છે, ત્યારે અચાનક બપોરે પાવાગઢ મંદિર પરિસરની ઓફિસની બાજુનો એક તરફનો ભાગ અચાનક ધરાશાયી થઇ જતા શ્રદ્ધાળુઓમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. આ ઘટનાને પગલે અને મોટી સંખ્યામાં યાત્રાળુઓ ભેગા થઇ જતા રસ્તા પર ટ્રાફિક રોકી દેવામા આવ્યો છે.સદનસીબે મોટી દુર્ઘટના ટળી ગઇ હતી અને ત્યાર બાદ કાટમાળ ખસેડવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી.આ દુર્ઘટનાને પગલે મંદિરમાં દર્શનાર્થે આવતા શ્રદ્ધાળુઓની એન્ટ્રી સાવચેતી વધારી દેવામાં આવી છે.