વડોદરા : વડોદરા જિલ્લામાં સહકારી ક્ષેત્રની પ્રતિષ્ઠિત વડોદરા જિલ્લા દૂધ ઉત્પાદક સંધ લિ. બરોડા ડેરીના પ્રમુખ-ઉપપ્રમુખ માટે આજે ચૂંટણી યોજાઈ હતી. જેમાં ફરી એકવાર પ્રમુખપદે દિનેશ પટેલ (દિનુમામા) અને ઉપપ્રમુખપદે જી.બી.સોલંકી સર્વાનુમતે ચૂંટાઈ આવ્યા હતા. ચૂંટણી અધિકારીની ઉપસ્થિતિમાં બરોડા ડેરી ખાતે યોજાયેલી બોર્ડ મિટિંગમાં પ્રમુખ-ઉપપ્રમુખપદ માટે કોઈએ ઉમેદવારી નોંધાવી ન હતી. આમ ફરી બરોડા ડેરીમાં સત્તાના સૂત્રો સંભાળ્યા છે. 

બરોડા ડેરીના પાંચ વર્ષના વહીવટ માટે ૧૩ બેઠકોની યોજાયેલી ચૂંટણીમાં ભાજપ પ્રેરિત પેનલે બહુમતી સાથે વિજય મેળવ્યો હતો. ત્યાર બાદ પ્રમુખ અને ઉપપ્રમુખ નક્કી હતા. પરંતુ આજે બરોડા ડેરીના બોર્ડરૂમમાં ઔપચારિક ચૂંટણી યોજાઈ હતી, જેમાં વર્તમાન પ્રમુખ દિનેશ પટેલ (દિનુમામા) બીજી વખત પ્રમુખ તરીકે અને વર્તમાન ઉપપ્રમુખ જી.બી.સોલંકી સતત ત્રીજી વખત ઉપપ્રમુખપદે ચૂંટાઈ આવ્યા હતા. ચૂંટણી અધિકારી વિજય પટણીની ઉપસ્થિતિમાં યોજાયેલી ચૂંટણીમાં તમામ સભ્યોએ સર્વાનુમતે પ્રથમ ટર્મ માટે પ્રમુખ-ઉપ્રમુખપદે ચૂંટ્યા હતા.

બોર્ડ મિટિંગ પૂર્વે જિલ્લા ભાજપ પ્રમુખ અશ્વિન પટેલ અને પૂર્વ પ્રમુખ દિલુભા ચૂડાસમા પક્ષનો મેન્ડેટ લઈને આવ્યા હતા. જ્યારે નર્મદામંત્રી યોગેશ પટેલ અને ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા (સોટ્ટા) પણ ઉપસ્થિત રહ્યા હતા. બોર્ડ મિટિંગ બાદ પ્રમુખ-ઉપપ્રમુખપદે સર્વાનુમતે ચૂંટાઈ આવતાં ડેરીમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત સમર્થકો અને ટેકેદારોએ શુભેચ્છા પાઠવી હતી. જાે કે આ સમયે સોશિયલ ડિસ્ટન્સ જાળવવાનું ભાન ભૂલાયું હતું.

ફરી એકવાર પ્રમુખપદે ચૂંટાયેલા દિનેશ પટેલે જણાવ્યું હતું કે, દૂધ ઉત્પાદકોનું તેમજ દૂધ ઉપભોગતાઓતું હિત હંમેશાં જળવાશે અને ગમે તેવી પરિસ્થિતિમાં દૂધ તેમજ દૂધ ઉત્પાદિત તમામ વસ્તુઓ મળી રહે તે કાર્યપદ્ધતિ આવનાર દિવસોમાં પણ યથાવત્‌ રહેશે. જ્યારે ઉપપ્રમુખ જી.બી.સોલંકીએ જણાવ્યું હતું કે, અમે છેલ્લા ૮ વર્ષથી બરોડા ડેરીનો સતત વિકાસ કરતા આવ્યા છીએ. બરોડા ડેરીમાં જે કામ શરૂ કર્યા છે અને હાલ અધૂરા છે તેને પૂરા કરવાની સાથે દૂધ ઉત્પાદકોનો આર્થિક તેમજ સામાજિક વિકાસ થાય તે માટે અમારી વિકાસલક્ષી કામગીરી જારી રહેશે.