દિલ્હી-

કેન્દ્ર સરકારે કોરોના મહામારી અંગેની ભ્રામક માહિતી ફેલાવનારા ફેસબુક અને ટ્‌વીટ સહિતના વિવિધ ઈન્ટરનેટ મીડિયાને આવી પોસ્ટ દૂર કરવા નિર્દેશ આપ્યો છે. ટ્‌વીટરના કહેવા પ્રમાણે તેણે ભારત સરકારના અનુરોધને લઈ પગલા ભર્યા છે અને તેવા એકાઉન્ટ હોલ્ડર્સને સૂચિત કરવામાં આવ્યા છે. જાે કે, ટ્‌વીટરે પ્રભાવિત એકાઉન્ટ્‌સની પ્રભાવિત જાણકારી નથી આપી. જાણવા મળ્યા મુજબ આવી પોસ્ટ્‌સમાં ભ્રામક જાણકારીઓ આપવામાં આવી હતી અને તેને એવી રીતે તૈયાર કરવામાં આવી હતી જેથી લોકોમાં ભય વધે.

ટ્‌વીટરના પ્રવક્તાએ જણાવ્યું કે, જ્યારે એક ઉચિત કાયદાકીય આગ્રહ થાય છે ત્યારે અમારી ટીમ સંબંધિત પોસ્ટની ટ્‌વીટરના નિયમો અને સ્થાનિક કાયદા એમ બંને હિસાબથી સમીક્ષા કરે છે. જાે કન્ટેન્ટમાં ટ્‌વીટરના નિયમોનું ઉલ્લંઘન થતું હોય તો તેને દૂર કરી દેવામાં આવે છે. જાે કન્ટેન્ટ ખાસ ન્યાયાધિકારની રીતે ગેરકાયદેસર હોય પરંતુ ટ્‌વીટરના નિયમોની વિરૂદ્ધ ન હોય તો તેઓ તે કન્ટેન્ટને ફક્ત ભારતમાં દેખાતું અટકાવી દે છે. લ્યૂમેન ડેટાબેઝના અહેવાલ પ્રમાણે ભારત સરકારના આગ્રહને માન આપીને ટ્‌વીટરે ૫૦થી વધારે પોસ્ટ દૂર કરી છે. તેમાં એક સંસદ સભ્ય, ધારાસભ્ય અને ફિલ્મ નિર્માતાઓની ટ્‌વીટનો પણ સમાવેશ થાય છે. ટ્‌વીટરના કહેવા પ્રમાણે તેણે આ કાર્યવાહી કરતા પહેલા તમામ એકાઉન્ટ હોલ્ડર્સને જાણકારી આપી હતી જેથી તેમને આ પગલું ભારત સરકારના કાયદાકીય આગ્રહને વશ થઈને લેવામાં આવ્યું હોવાની ખબર પડે.