વડોદરા : વડોદરા મહાનગર પાલિકા દ્વારા સ્માર્ટ સીટી પ્રોજેક્ટ હેઠળ શહેરમાં આવેલા વિવિધ તળાવોના બ્યુટીફીકેશન પાછળ કરોડો રૂપિયાનું આંધણ કરવામાં આવ્યું છે. પરંતુ આ તળાવોના બ્યુટીફીકેશન પાછળ ખર્ચાયેલા કરોડો રૂપિયા પાણીમાં વહી ગયા છે. જેને લઈને શહેરના વધુ એક કમલાનગર તળાવમાં મોટાપાયે ગાબડા પડ્યા છે. તેમજ તળાવની ચોતરફ આવેલ વોકવે પણ બબબે ફૂટ સુધીનો બેસી જતા એ જમીનમાં ધસી પડ્યો છે. શહેરમાં સ્માર્ટ સીટી પ્રોજેક્ટ અંતર્ગત હાથ ધરવામાં આવેલા વિવિધ કરોડો રૂપિયાના પ્રોજેક્ટોમાં મોટા પાયે ખાયકી અને ભ્રષ્ટાચારને લઈને અત્યંત હલકી ગુણવત્તાની કામગીરી કરવામાં આવી છે. જેમાં શહેરના તળાવોના બ્યુટીફિકેશનના નામે પણ કરોડો રૂપિયાના આંધણ પછીથી હલકી કક્ષાની કામગીરી અને તત્કાલીન શાસકો તથા અધિકારીઓ અને ઇજારદારોની મિલીભગતને લઈને મોટા પાયે ભ્રષ્ટાચારના કારણે છાણી અને હરણી પછીથી આ કમલાનગરનું ત્રીજું તળાવ એવું છે કે જ્યાં મસમોટા ગાબડાઓ તળાવની ચોતરફની દીવાલ અને ઢોળાવ પર પડી ગયેલા નજરે પડે છે. આટલું ઓછું હોય એમ કમલાનગરના તળાવમાં તો એની ચોતરફ આવેલ ચાલવાને માટે બનાવેલી ફૂટપાથ -વોકવેની જગ્યામાં પણ તળાવની પાળીને અડીને બબ્બે ફૂટ જેટલું મોટું ગાબડું પડ્યું છે. આ જગ્યામાં ઠેકઠેકાણે બેસાડેલા પથ્થરો પણ યોગ્ય પુરાણને અભાવે બેસી જવા પામ્યા છે. જેને લઈને આ તળાવની આસપાસ ચાલનારાઓને માટે પણ જાેખમરૂપ પરિસ્થિતિ ઉભી થવા પામી છે. ત્યારે ગણતરીના સમયમાં જ આ તળાવની આવી દુર્દશાને માટે જવાબદાર ઇજારદાર સામે અને એનું નિરીક્ષણ કરનાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી હાથ ધરવાની માગ ઉઠી છે. આ તળાવમાં થયેલા ભ્રષ્ટાચારને આરટીઆઈ એક્ટિવિસ્ટ અતુલ ગામીતે ઉજાગર કર્યો હતો.