ગાંધીનગર-

ગુજરાત ભાજપ યુવા મોરચાના પ્રદેશ મંત્રી કૌશલ દવેના રાજીનામાં અંગે યુવા મોરચાના પ્રદેશ પ્રમુખ પ્રશાંત કોરાટે જણાવ્યુ હતું કે, તેમણે રાજીનામું આપ્યું હોય તેવી કોઈ મને જાણ નથી. અને મોરચા દ્વારા તેમનું રાજીનામું મંગાયું નથી. જ્યારે વય મર્યાદા અંગે તેમણે જણાવ્યું હતું કે, અમે આધાર કાર્ડ સહિતના પુરાવા મંગાવ્યા છે. જો તે પુરાવાઓ મુજબ નિમણૂક સમયે 35 વર્ષ કે તેથી વધુ વયના હશે તો તેની સામે કાર્યવાહી કરીને તેમને દૂર કરાશે.

વડોદરા ભાજપ યુવા મોરચાના અગ્રણી અને પ્રદેશ યુવા મોરચાના મહામંત્રી કૌશલ દવેનું રાજીનામું માંગી લેવામાં આવ્યું હોવાની ચર્ચાએ વડોદરામાં ભારે જોર પકડ્યું છે. યુવા ભાજપ મોરચાના પ્રદેશ મહામંત્રી કૌશલ દવે ભૂતકાળમાં ડિગ્રી સર્ટિફિકેટ કૌભાંડમાં સંડોવાયેલા હતા. તેમજ તેઓની વય હાલમાં 35 વર્ષ કરતાં વધુની છે. જેથી કૌશલ દવેનું પાર્ટી દ્વારા રાજીનામું માંગવામાં આવ્યું છે અથવા તો તેમણે પાર્ટીના આદેશ મુજબ રાજીનામું આપી દીધું હોવાની વિગતો સામે આવી હતી.

આ અંગે પ્રદેશ ભાજપ યુવા મોરચાના પ્રમુખ પ્રશાંત કોરાટનો સંપર્ક કરવામાં આવ્યો હતો. જે અંગે પ્રદેશ યુવા મોરચાના પ્રમુખ પ્રશાંત કોરાટે જનસત્તા લોકસત્તાને જણાવ્યુ હતું કે, અમારા તરફથી તેમનું રાજીનામું માંગવામાં આવ્યું નથી. જો તેમણે પોતે રાજીનામું આપ્યું હોય તો તે અંગે હજુ સુધી કોઈ પત્ર મળ્યો નથી.

પ્રશાંત કોરાટે વધુમાં જણાવ્યું હતું કે, તેમની સામે ડિગ્રી સર્ટિફિકેટનો વિવાદ હતો તે ઘણો જૂનો છે. તેઓ જ્યારે જે તે સંસ્થામાં કામ કરતાં હતા ત્યારે વર્ષ 2008માં તેમનું નામ આવ્યું હતું. પરંતુ આ વિવાદમાં જે તે કંપનીના સંચાલકોની સાથોસાથ કર્મચારી તરીકે કૌશલ દવેનું નામ પણ જોડવામાં આવ્યું હતું. પરંતુ ત્યાર બાદ કોર્ટમાં તેમની સામેના આરોપો સિદ્ધ ન થતાં વર્ષ 2009માં કોર્ટે કૌશલ દવે સામેના આરોપોને દૂર કર્યા હતા. ત્યાર બાદ કૌશલ દવે વર્ષ 2010, 2013 અને 2016ની યુવા મોરચાની પ્રદેશ કારોબારીમાં સામેલ હતા.

યુવા મોરચામાં પ્રમુખ સહિત કેટલાક હોદ્દેદારોની વય 35 વર્ષ કરતાં ઉપરની છે તેવા હોદ્દેદારો અંગે મોરચા દ્વારા શું કાર્યવાહી કરવામાં આવશે? તે અંગેના પ્રશ્નના પ્રત્યુત્તરમાં પ્રશાંત કોરાટે જણાવ્યું હતું કે, આ બાબતની ખરાઈ કરવા માટે જે તે હોદ્દેદારોના આધાર કાર્ડ સહિતના પુરાવાને મંગાવવામાં આવ્યા છે. તેના આધારે જે તે હોદ્દેદારની વય મર્યાદાને અનુલક્ષીને નિર્ણય લેવામાં આવશે.

જ્યારે ખુદ પ્રમુખ એટલે કે પ્રશાંત કોરાટની વય 35 વર્ષની ઉપર છે? તેવો સવાલ કરતાં યુવા મોરચાના પ્રમુખ પ્રશાંત કોરાટે જણાવ્યું હતું કે, મારી નિમણૂક તા. બીજી એપ્રિલના રોજ કરવામાં આવી હતી ત્યારે મારી જન્મ તારીખ 11 મે 1986 મુજબ મને 35 વર્ષ થયા ન હતા. આવું અન્ય સભ્યોના કિસ્સામાં પણ બની શકે છે. આથી અમે તમામ સભ્યોના આધાર કાર્ડ સહિતના પુરાવા મંગાવ્યા છે? ત્યાર બાદ તેમાં જો કોઈ નિમણૂક સમયે 35 વર્ષથી વધુના હશે તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે.