સુશાંત સિંહનું રવિવારે મૃત્યુ થયું હતું. ૩૪ વર્ષીય એક્ટરે મુંબઈના તેના ઘરે ફાંસી ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. પરિવારના સભ્યો બિહારથી મુંબઈ આવ્યા ત્યારબાદ સોમવારે તેના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. સુશાંતની એક બહેન યુએસ હતી જે ગઈકાલે બુધવારે પટનામાં તેમના ઘરે પહોંચી ગઈ હતી. માટે આજે ગુરુવારે પિતા કે.કે. સિંહ, યુએસથી આવેલ બહેન શ્વેતા અને અન્ય બહેનો સહિત પરિવારના સભ્યોએ સાથે મળીને સુશાંતના જન્મસ્થળ પટનામાં ગંગામાં તેની અસ્થિઓનું વિસર્જન કર્યું છે. સુશાંત સિંહની યુએસ રહેતી બહેન શ્વેતા સિંહ કૃતિ અંતિમ વિધિમાં પહોંચી શકી ન હતી. તેણે ભાઈ માટે ફેસબુક પર ઈમોશનલ પોસ્ટ પણ શેર કરી હતી. પરિવારના સભ્યો મુંબઈથી પરત હોમટાઉન ગયા અને શ્વેતા સીધી તેના ઘરે જ પહોંચી હતી. તેણે ફેસબુક પર લખ્યું હતું કે, મારા પટનાના ઘરે સુરક્ષિત પહોંચી ગઈ છું. આ સ્થિતિમાં જે બધા મદદ કરી રહ્યા છે અને પ્રાર્થના કરી રહ્યા છે તેમનો આભાર. આજે અમે ભાઈની અસ્થિનું વિસર્જન કરશું. હું ફરી દરેકેને તેના માટે પ્રાર્થના કરવાનું કહું છું. તેની જિંદગીને સેલિબ્રેટ કરીએ અને તેને પ્રેમાળ અને હસતી વિદાય આપીએ.શ્વેતાએ અગાઉ ભાઈને યાદ કરીને એક ઈમોશનલ નોટ શેર કરી હતી જેમાં તેણે લખ્યું હતું કે, મારું બેબી, મારું બાબુ અત્યારે ફિઝીકલી આપણી સાથે નથી અને ઈટ ઇઝ ઓકે. મને ખબર છે કે તું ઘણા દુઃખમાં હતો અને તું ફાઈટર હતો અને તું ખૂબ સારી રીતે લડી રહ્યો હતો. સોરી તારે જે દુઃખમાંથી પસાર થવું પડ્‌યું, કાશ હું તને મારી ખુશી આપીને તારા બધા દુઃખ લઇ શકી હોત. આગળ તેણે લખ્યું કે, તારી ચમકતી આંખોએ દુનિયાને શીખવ્યું કઈ રીતે સપના જોવા, તારી માસુમ મુસ્કાન તારા સાફ દિલનું પ્રતિબિંબ હતું, તને હંમેશાં પ્રેમ કરતા રહીશું. તું જ્યાં હોય ત્યાં ખુશ રહે, લોકોએ તને પ્રેમ કર્યો છે, કરે છે અને કરતા રહેશે.