ઝઘડિયા, ઝઘડિયા સેવા રૂરલના છુટા કરેલ કર્મચારીઓ તેમના મળવાપાત્ર હક્કોની માંગને લઇ છેલ્લા કેટલા સમયથી લડત કરી રહ્યા છે તેમ છતાં તેમને મળવાપાત્ર લાભો મીનીમમ વેજીસ ઇન્ક્રીમેન્ટ મોંઘવારી ભથ્થુ ગ્રેજ્યુટી પીએફ વિગેરે નહીં મળતા હોવાનો આક્ષેપ કરી છેલ્લા ૩૩૭થી વધુ દિવસથી સવારે ૧૦થી સાંજના ૫ સુધી ધરણા પર બેઠા છે.

ઝઘડિયા ખાતે આવેલી સેવા રૂરલ તથા કસ્તુરબા મેટરનીટી હોમ હોસ્પિટલ છેલ્લા ચાર દાયકા જેટલા સમયથી આદિવાસી વિસ્તારોમાં આરોગ્ય ક્ષેત્ર તથા શિક્ષણ ક્ષેત્રે કામ કરે છે. કેટલાક વર્ષ પહેલા સંસ્થા દ્વારા કોઈ કારણોસર કર્મચારીઓને છૂટા કરવામાં આવ્યા હતા! જેથી આ છુટા થયેલ કર્મચારીઓ દ્વારા સંસ્થા સામે કાયદાકીય રીતે કર્મચારીઓના હક્કો જેવા કે મીનીમમ વેજીસ, ઇન્ક્રીમેન્ટ, ઓવરટાઈમ નાણાં, મોંઘવારી ભથ્થુ, ગ્રેજ્યુટી, પીએફ વિગેરે વિવિધ પગાર પંચના મળવાપાત્ર લાભો મેળવવા માટે લડત ચલાવી રહ્યા છે. આ દસ વર્ષના સમયગાળા દરમ્યાન છૂટા કરાયેલા કર્મચારીઓ દ્વારા સરકારના અલગ-અલગ વિભાગો તથા આયોગમાં રજૂઆતો કરી હતી. કર્મચારીઓ દ્વારા કરવામાં આવેલ રજૂઆતમાં રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ સફાઇ કર્મચારી આયોગ, રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગ દ્વારા તેમજ તેમાં થયેલ સુનાવણી તથા હુકમોનુ પાલન નહીં કરવામાં આવ્યું હોવાનો પણ કર્મચારીઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. છૂટા કરાયેલા કર્મચારીઓ દ્વારા ગત તારીખ ૬.૩.૨૦૨૦થી સેવા રુરલ સંસ્થા સામે ધરણાં શરૂ કર્યા છે. ધરણાને ૩૩૭થી વધુ દિવસો વીતી ગયા હોય તેમ છતાં છૂટા કરાયેલા કર્મચારીઓની માંગોનો સંસ્થા દ્વારા, સરકાર દ્વારા, આયોગ દ્વારા કોઈ નિરાકરણ આવ્યું નથી તેમ કર્મચારીઓએ આક્ષેપ કર્યો છે. છુટા કરાયેલ કર્મચારીઓએ માંગણી કરી છે કે ચાલુ કાર્યવાહી દરમિયાનની પૂર્ણ વેતનની ચુકવણી કરવામાં આવે.