વડોદરા, તા.૭ 

વડોદરા શહેરના અલગ અલગ વિસ્તારોમાં આવેલ કામદાર વીમા યોજના (ઈએસઆઈ) દવાખાનાઓ મરામત અને મેઈન્ટેનન્સના અભાવે જર્જરિત અને જાેખમી હાલતમાં આવી ગયા છે જે પૈકી છાણી રોડ સ્થિત નવાયાર્ડ ખાતે આવેલ ગુજરાત રાજ્ય કામદાર વીમા યોજનાનું ડી-૧૩ નંબરના દવાખાનાની હાલત અત્યંત જર્જરિત અને જાેખમરૂપ હાલતમાં આવી ગયું હોવાનું જાણવા મળેલ છે. આ દવાખાનાની છતના સિમેન્ટ ક્રોંકિટના પોપડાં રોજબરોજ ઉખડી રહ્યાં છે, જેને લઈને દવાખાનાના તબીબી સ્ટાફ, કર્મચારી સ્ટાફ અને સારવાર માટે આવતા દર્દીઓ પોતાના જાેખમે આવી રહ્યા છે અને કર્મચારીઓ ફરજ બજાવી રહ્યા છે. ગુજરાતમાં ઔદ્યોગિક કામદારોને અને તેમના પરિવારોને હોસ્પિટલની સુવિધાયુક્ત સારવાર મળી રહે તે માટે ગુજરાત રાજ્ય કામદાર વીમા યોજના (ઈએસઆઈસી)ના દવાખાના શરૂ કરવામાં આવ્યા છે જેમાં વડોદરા શહેરમાં નાના મોટા ઔદ્યોગિક એકમોને ધ્યાનમાં રાખીને અલગ અલગ કામદાર વીમા યોજનાના દવાખાનાની સુવિધા ઉપલબ્ધ કરાય છે અને તેની મુખ્ય હોસ્પિટલ ગોત્રી ખાતે આવેલ છે. કેન્દ્ર સરકાર હસ્તકની આ કામદાર વીમા યોજનાના દવાખાનાની મરામત અને મેઈન્ટેનન્સ પ્રત્યે દુર્લક્ષ સેવવામાં આવતાં વરસોથી કાર્યરત ઈએસઆઈના વિભાગીય દવાખાનાની બિલ્ડિંગોની હાલત જર્જરિત સ્થિતિમાં જાેવા મળી રહી છે. શહેરના છાણી રોડ સ્થિત નવાયાર્ડ ખાતે ડી-૧૩ નંબરના દવાખાનાની બિલ્ડિંગની મરામતના અભાવે હાલના તબક્કે છતના પોપડાં ઉખડી રહ્યાં છે અને કટાયેલા સળિયા દેખાઈ રહ્યા છે. આ જાેખમીભરી સ્થિતિમાં દવાખાનાના સ્ટાફના કર્મચારીઓ અને તબીબો તેમજ સારવાર માટે આવતા દર્દીઓમાં ભારે છૂપારોષની લાગણી જાેવા મળી રહી છે અને આ દવાખાનાની હાલતથી દર્દીઓમાં ભયનો માહોલ જાેવા મળી રહ્યો છે. જેથી વહેલી તકે આ દવાખાનાની જર્જરિત બિલ્ડિંગની મરામત થાય તે જરૂરી છે.