વડોદરા, તા.૨૧ 

શહેર નજીકથી પસાર થતી મીની નદીમાં શુક્રવારે સવારે નજીકના ઇન્ડસ્ટ્રીઝ દ્વારા કેમીકલ યુક્ત પ્રવાહી છોડવામાં આવ્યું હોવાની વાત સ્થાનિકોના ધ્યાને આવી હતી. અગાઉ પણ મીની નદીમાં ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટનો નિકાલ કરવાની ઘટનાઓ સામે આવી હતી. સ્થાનિકના મતે વહીવટી તંત્ર દ્વારા ઇન્ડસ્ટ્રીઝલ વેસ્ટના નિયમાનુસાર નિકાલ કરવાનો ચુસ્ત અમલ કરવામાં આવતો ન હોવાનો મત વ્યક્ત કર્યો હતો.

નંદેસરી ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં અનેક કેમીકલ ઈન્ડસ્ટ્રીઝ આવેલી છે. જેમાં કેમીકલ પ્રોસેસીંગ, ડાઇઝ, ફાર્મા સહિતના એકમોને સમાવેશ થાય છે. શુક્રવારે સવારે સ્થાનિક રહીશ બ્રીજ પરથી પરાર થઇ રહ્યા હતા, ત્યારે તેમણે મીની નદીમાં પીળા કલરના પાણીનો ધોધ જતો જોયો હતો. અને નંદેસરી ઇન્ડસ્ટ્રીયલ એરીયામાંથી આવતો પાણીના પ્રવાહમાં ગંઘ પણ અનુભવાતી હતી. તેમણે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, નંદેસરીમાં કાર્યરત કંપનીઓ દ્વારા મીની નદીમાં છોડવામાં આવતા પાણીને કારણે આસપાસના વિસ્તારોના બોરમાંથી દુષિત પાણી આવી રહ્યા છે. જો આ સમસ્યાનું સમયસર ઉકેલ લાવવામાં નહિ આવે તો સમસ્યા વધુ ધેરી બનશે. અનેક વખત જીપીસીબીમાં પ્રદુષણ મામલે ફરિયાદ કરવામાં આવી હતી. પરંતુ તંત્ર દ્વારા કોઈ કડક પગલા લેવાતા નથી.