વડોદરા : શહેરના કોયલી ફળિયાના શ્રીજી મંડળના દ્વારા આ વર્ષે કોરોના મહામારીના કારણે સરકારે જાહેર કરેલી ગાઈડલાઈનનું પાલન કરી જાહેર સ્થળે મંડપના બદલે ફળિયામાં આવેલા નાનકડા ગોડાઉનમાં શ્રીજીની સ્થાપનાની તૈયારી કરતા જ સિટી પોલીસ સ્ટાફે શ્રીજી ભક્તોને ખાલી મકાનમાં સ્થાપના કરતા અટકાવ્યા હતા. આ મુદ્દે શ્રીજી ભક્તો અને પોલીસ વચ્ચે ઉગ્ર ઘર્ષણ સર્જાતા કોયલીફળિયાના રહીશો મોટી સંખ્યામાં સિટી પોલીસ મથકમાં પહોંચ્યા હતા જયાં ભારે રકઝક બાદ બંને પક્ષે સમાધાન થતાં કોયલી ફળિયાના શ્રીજીની અગાઉ નક્કી કરેલા સ્થળે જ સ્થાપના કરાઈ હતી.

કોરોના મહામારીના કારણે આ વર્ષે રાજ્ય સરકાર દ્વારા ગણેશોત્સવ અને તાજિયાનું જાહેરસ્થળોએ સ્થાપના અને જાહેર ઉજવણી પર પ્રતિબંધ મુક્યો છે જયારે ઘરોમાં માત્ર બે ફુટની જ શ્રીજીની પ્રતિમાની સ્થાપના કરી તેનું ત્યાં જ વિસર્જન કરવાનું જાહેરનામુ બહાર પાડ્યું છે. આ સંજોગોમાં કોયલી ફળિયા યુવક મંડળ દ્વારા પરંપરાગત જાહેર માર્ગ ઉપર પંડાલ બાંધીને ગણેશજીની સ્થાપના કરવાને બદલે પોળના જ એક રહીશના મકાનમાં સ્થાપના કરવાની તૈયારી કરી હતી. શ્રીજી ભક્તો આજે ઘરમાં શ્રીજીની સ્થાપના કરે તે પહેલા જ સિટી પોલીસના સ્ટાફે કાર્યકરોને ત્યાં શ્રીજીની સ્થાપના કરતા અટકાવ્યા હતા. પોલીસે શ્રીજી સ્થાપના અટકાવી હોવાની જાણ થતાં કોયલી ફળિયાના રહીશોમાં ઉગ્ર રોષ ફેલાયો હતો અને તેઓને પોલીસ કાર્યવાહીનો વિરોધ કર્યો હતો. સમગ્ર મામલો સિટી પોલીસ મથકમાં પહોંચ્યો હતો જયાં જ્યાં કાર્યકરોની વાત સાંભળી પોલીસે આખરે નમતુ ઝોંકી તમામને રવાના કર્યા હતા અને બપોરે બે વાગ્યા બાદ આખરે દિલીપ અરગડેના શટરવાળા મકાનમાં શ્રીજીની સરકારી ગાઈડલાઈન મુજબ સ્થાપના કરવામાં આવતા સમગ્ર વિવાદનો અંત આવ્યો હતો.

અમે જાહેરનામાનું પાલન કરી ખાલી મકાનમાં શ્રીજી સ્થાપના કરી છે

કોયલી ફળિયા ગણેશ યુવક મંડળના પ્રમુખ શ્યામભાઈ નરસાળેએ જણાવ્યું હતું કે, પોલીસ કમિશનરના જાહેરનામાનું પાલન કરીને અમે જાહેર માર્ગ ઉપર પંડાલ બાંધીને ગણેશજીની સ્થાપના કરવાને બદલે પોળમાં જ રહેતા દિલીપભાઇ અરગડેના ખાલી મકાનમાં સ્થાપના કરવામાં આવી રહી હતી, પરંતુ, પોલીસ તંત્ર દ્વારા પોળના જાહેર માર્ગ ઉપરના મકાનમાં શ્રીજીની સ્થાપના કરવી જાહેરનામાનો ભંગ કર્યો હોવાનું જણાવી સ્થાપના થવા દીધી નથી. અમારા કાર્યકરો પોલીસ અધિકારીને રજૂઆત કરવા ગયા હતા અને અમારી વાત પોલીસ સમક્ષ મુકી અમે નક્કી કરેલા સ્થળે જ શ્રીજીની સ્થાપના કરી છે.

કોરોનાની ગાઇડલાઇન પ્રમાણે જ સ્થાપના કરવાના હતા, છતાં પોલીસે કાર્યવાહી કરી

મહિલા અગ્રણી દેવિકાબહેન ઢેકાણેએ જણાવ્યું કે, અમને ખબર છે. કોરોનાની મહામારી ચાલી રહી છે, જેથી અમે પણ પોળમાં જ રહેતા દિલીપભાઇના મકાનમાં શ્રીજીની સ્થાપના કરવાનું નક્કી કર્યું છે. જ્યાં અમે કોવિડ-૧૯ની ગાઇડલાઇન મુજબ જ શ્રીજીના પાઠ-પૂજા કરીશું. પોલીસ દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી છે તે ખોટી છે. અમે પોલીસ તંત્રને સહકાર આપ્યો છે. તે રીતે પોલીસ પણ અમોને સહકાર આપે તેવી આશા રાખીએ છે. જો પોલીસ મંજૂરી નહીં આપે તો પણ અમે નક્કી કરેલી જગ્યાએ જ ગણપતિની સ્થાપના કરીશું.

કોયલી ફળિયાના કોઈ રહીશની અટકાયત કરાઈ નથી

સિટી પોલીસ સ્ટેશનના વી.આર. વાણીયાએ જણાવ્યું કે, કોયલી ફળિયાના ગણેશ યુવક મંડળ દ્વારા જાહેરનામાનો ભંગ કરીને માર્ગ ઉપરના એક મકાનમાં શ્રીજીની સ્થાપના કરવામાં આવે છે તેવી જાણ થતાં પોલીસે તેઓને શ્રીજી સ્થાપના કરતા અટકાવ્યા હતા. આ મુદ્દે રહીશો પોલીસ સ્ટેશનમાં રજુઆત કરવા આવ્યા હતા અને તેઓને સમજાવીને પોલીસે પરત મોકલતા વિવાદનો અંત આવ્યો છે. આજે બપોરે કેટલાક માધ્યમોમાં શ્રીજી ભક્તોની અટકાયતની અફવા ફેલાઈ હતી પરંતું આ આ વિવાદમાં કોઇપણ કાર્યકરની અટકાયત કરવામાં આવી નથી.

ભાજપાના કોઈ ધારાસભ્ય કે કોર્પોરેટર મદદ માટે ફરક્યા નહી

આજે સવારથી કોયલી ફળિયાના શ્રીજીની સ્થાપનાના મુદ્દે પોલીસ અને રહીશો વચ્ચે ઉગ્ર ઘર્ષણની વાતો વાયુવેગે ફેલાઈ હતી જેના પગલે શહેર કોંગી પ્રમુખ પ્રશાંત પટેલ, કોંગી અગ્રણી સાંઈ ઢેકાણે તેમજ શિવસેનાના ઘનશ્યામ ફુલબાજે સહિતના કાર્યકરો, વકીલ નીરજ જૈન, વીએચપી અને આમ આદમી પાર્ટીના કાર્યકરો કોયલી ફળિયાના રહીશોની મદદ માટે દોડી આવ્યા હતા. જાેકે વિવાદ પુરો થાય ત્યાં સુધી ભાજપાના એક પણ ધારાસભ્ય કે કોર્પોરેટરો આ સ્થળે નહી ફરકતા સ્થાનિક રહીશોમાં આ મુદ્દે ઉગ્ર રોષ સાથે ચર્ચા ચાલી હતી.