વડોદરા : શહેરમાં કોરોનાના કહેર વચ્ચે ગણેશોત્સવની સાદગીપૂર્વક ઉજવણી થઈ રહી છે. ગણેશોત્સવના સાતમા દિવસે સંવેદનશીલ વિસ્તાર ગણાતા જૂનગઢીના ગણપતિ સહિત વિવિધ ગણેશ મંડળો અને લોકોએ ઘરમાં સ્થાપના કરેલા શ્રીજીનું ઘરઆંગણે વિસર્જન કરવામાં આવ્યું હતું. કોરોનાની ગાઈડલાઈન મુજબ શહેરમાં ગણેશોત્સવની સાદગીપૂર્વક ઉજવણી થઈ રહી છે. વિવિધ મંડળો દ્વારા ઘરમાં જ બે ફૂટ સુધીની ગણેશજીની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે. જ્યારે વિવિધ મંડળો દ્વારા પણ શ્રીજીની મૂર્તિની સ્થાપના અને વિસર્જન પણ સાદાઈથી કરવામાં આવી રહ્યું છે. કેટલાક મંડળો દ્વારા પાંચમા દિવસે શ્રીજીનું વિસર્જન કરવામાં આવ્યું હતું.  સંવેદનશીલ વિસ્તાર પાણીગેટ, જૂનીગઢીના શ્રીજી સહિત વિવિધ મંડળો દ્વારા ઘરમાં સ્થાપન કરાયેલા શ્રીજીનું આજે સાતમા દિવસે ગણપતિ બાપ્પા મોરિયા... પુઢચ્યા વર્ષી લવકર યાના જયઘોષ સાથે ઘરઆંગણે વિસર્જન કર્યું હતું. શ્રીજી વિસર્જન પૂર્વે સાતમા દિવસે જૂનીગઢીના શ્રીજીનું વિસર્જન પોલીસ માટે પડકાર હોય છે. ત્યારે આ વરસે કોરોનાની મહામારીમાં જૂનીગઢી મિત્રીમંડળ દ્વારા આજે સવારે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ સાંજે મેયર સહિતના અગ્રણીઓએ શ્રીજીની આરતી કર્યા બાદ ઘરઆંગણે જ શ્રીજીનું વિસર્જન કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, દર વર્ષે જૂનીગઢીના શ્રીજીનું વિસર્જન શાંતિપૂર્ણ સંપન્ન થાય ત્યારે પોલીસ તંત્ર હાશકારો અનુભવતી હોય છે. ત્યારે આજે કાયદો અને વ્યવસ્થાના ભાગરૂપે પોલીસ તંત્રે સંવેદનશીલ વિસ્તારોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો.