આણંદ, તા.૨૧  

સમગ્ર રાજય તેમજ ભારતમાં નોવેલ કોરોના વાઇરસ ફેલાયેલ છે. વિશ્વ આરોગ્‍ય સંસ્‍થા દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરવમાં આવી છે. વાઇરસની મહામારીને અસરકારક રીતે નિયંત્રિત કરવા માટે ભારત સરકાર તથા ગુજરાત સરકાર દ્વારા તા.૩૧ જુલાઇ સુધી લોકડાઉન બાબતે જરૂરી માર્ગદર્શિકાઓ તેમજ આદેશો આપવામાં આવ્‍યા છે. આણંદમાં દશામાના વ્રતની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે વહીવટી તંત્રએ તકેદારીના ભાગરૂપે મૂર્તિઓનું વિસર્જન અને શોભાયાત્રા કાઢવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે.

આણંદ જિલ્‍લામાં આગામી સમયમાં દશામા વ્રતની ઉજવણી કરવામાં આવશે. તેમજ વ્રત પૂર્ણ થયેથી દશામાની મૂર્તિઓનું વિસર્જન કરવાના વ્રત-ઉત્‍સવ સંબંધે વિવિધ સ્‍થળોએ દશામાંની મૂર્તિઓની સ્‍થાપના કરવામાં આવશે. સરઘસ સાથે વિસર્જન/શોભાયાત્રા યોજવાની તેમજ મોટી સંખ્‍યામાં લોકોની અવર-જવર તેમજ ભીડ એકઠી થવાની સંભાવનાને ધ્‍યાને લઇ આણંદના જિલ્‍લા મેજિસ્‍ટ્રેટ આર.જી. ગોહિલે ધ નેશનલ ડિઝાસ્‍ટર મેનેજમેન્‍ટ એકટની કલમ-૨૬(ર), ૩૦ તથા કલમ-૩૪ ધી એપેડેમિક ડીસીઝ એકટ, ૧૮૯૭ની કલમ-ર હેઠળ સમગ્ર આણંદ જિલ્‍લામાં હાલમાં કેન્‍દ્ર સરકારના ગૃહ વિભાગની તેમજ રાજય સરકારના ગૃહ વિભાગની અનલોક-રની ગાઇડલાઇન અમલમાં હોઇ ધાર્મિક કાર્યક્રમો સભા, સરઘસ, સંમેલન કે મેળાવડા કે લોકમેળા કે ધાર્મિક વરઘોડા-શોભાયાત્રા પર સખત મનાઇ ફરમનાવી છે. આગામી દશામાં ઉત્‍સવને ધ્‍યાને લઇ પીઓપીમાંથી બનાવેલી દશામાંની મૂર્તિઓની બનાવટ તથા વેચાણ કરવા તેમજ દશામાંની અન્‍ય મૂર્તિઓનું વિસર્જન કરવા તથા શોભાયાત્રા કાઢવા ઉપર જાહેરનામાથી પ્રતિબંધ

ફરમાવ્‍યો છે.

આ જાહેરનામાના કોઇપણ ખંડનો ભંગ કરનાર વ્‍યક્તિ નેશનલ ડિઝાસ્‍ટર મેનેજમેન્‍ટ એકટની કલમ-૫૧થી ૫૮ તથા ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ની જાેગવાઇ મુજબ શિક્ષાને પાત્ર થશે. આ હુકમથી આણંદ જિલ્‍લામાં ફરજ બજાવતાં નાયબ પોલીસ અધિક્ષકથી પોલીસ સબ ઇન્‍સ્‍પેકટર સુધીનો હોદ્દો ધરાવનાર તમામ અધિકારીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર ઇસમો વિરુદ્ધ આઇપીસી કલમ-૧૮૮ મુજબ ફરિયાદ દાખલ કરવા અધિકૃત કરવામાં આવ્‍યા હોવાનું પણ વધુમાં જણાવાયું છે.