વડોદરા

શહેરના નવલખી યૂથ સ્પોર્ટસ ક્લબ નવલખી મેદાન પર ક્રિકેટ રમતા શહેરના ૧૨૫ જેટલી ટીમોને વર્ષભર ક્રિકેટ રમવા માટેના ટેનિસ બોલનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શહેર ભાજપ અધ્યક્ષ ડો. વિજય શાહ પૂર્વ ક્રિકેટર કિરણ મોરે, શહેર મહામંત્રી સુનીલ સોલંકી, શહેર ભાજપ મંત્રી અશોક ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા. તા.૧૬મીથી નવલખી ક્રિકેટ લીગ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. દરેક ટીમના કેપ્ટન અને વાઈસ કેપ્ટન રેસકોર્સ ખાતેના વાણિજ્ય ભવનના ઓડિટોરિયમ હોલમાં ઉપસ્થિત રહી કિરણ મોરે દ્વારા ક્રિકેટ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. શહેર પ્રમુખ ડો. વિજય શાહે જણાવ્યું હતું કે, ક્રિકેટને યુવાનોની ધડકન કહેવાય છે. તેઓએ જીવનમાં સ્પોર્ટસનું મહત્ત્વ સમજાવ્યું હતું અને આગામી સમયમાં આ તમામ ટીમો માટે નિઃશુલ્ક ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવા માટેની ખાતરી આપી હતી. આ ઉપરાંત શહેરમાં રહેલા ખૂલ્લા ગ્રાઉન્ડ પૈકી ચોક્કસ મેદાનોને શોધી ક્રિકેટ અને અન્ય આઉટડોર રમતોને પ્રોત્સાહન મળે તે માટેના સુઆયોજિત આયોજન કરવા માટેની શરૂઆત કરવામાં આવશે તેમ ઉપસ્થિત યુવાનોને આ બાબતે માહિતી આપવામાં આવી હતી. આ મિટિંગમાં શહેરના યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.