વડોદરા : વડોદરા જિલ્લા પંચાયતની ૩૪, ૮ તાલુકા પંચાયતની ૧૬૭ અને ડભોઈ, પાદરા, સાવલી એમ ત્રણ નગરપાલિકાની ૮૩ બેઠકો માટેની આજે યોજાયેલી ચૂંટણીમાં ગ્રામ્ય વિસ્તારોના મતદારોએ ઉત્સાહપૂર્વક મતદાન કર્યું હતું. આજે પાંચ વાગ્યા સુધી જિલ્લા પંચાયતમાં ૬૮.૭૩ ટકા, ૮ તાલુકા પંચાયતોમાં ૬૮.૫૮ ટકા અને ત્રણ નગરપાલિકાની ચૂંટણીમાં ૬૬.૫૪ ટકા મતદાન થયું હતું. જ્યારે સાંજે ૬ વાગે મતદાનની પ્રક્રિયા પૂરી થતાં સુધી જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં અંદાજે ૭૪ ટકા જેટલું મતદાન થયું હતું. મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ મોડી રાત્રે ૧૧ રિસિવિંગ અને ડિસ્પેચિંગ કેન્દ્ર ખાતેથી ઈવીએમ સ્ટ્રોંગ રૂમમાં મૂકવામાં આવ્યા હતા.

વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણી શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયા બાદ આજે વડોદરા જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને ત્રણ નગરપાલિકાઓની ચૂંટણી યોજાઈ હતી. સવારે ૭ વાગ્યાથી મતદાન પ્રક્રિયાનો પ્રારંભ થતાંની સાથે ગ્રામ્ય વિસ્તારના મતદારોએ ભારે ઉત્સાહ દાખવતાં અનેક મતતદાન મથકો પર કતારો લાગેલી જાેવા મળી હતી. કોવિડ-૧૯ની ગાઈડલાઈન સાથે તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન યોજાય તે માટેની તમામ વ્યવસ્થા કરવામાં આવી હતી. મતદાનના પ્રારંભના પ્રથમ બે કલાકમાં ૯ ટકા જેટલું મતદાન નોંધાયું હતું.

જાે કે, ત્યાર બાદ પણ યુવાનો, વૃદ્ધો, નાગરિકો સહિત મતદારોનો ઉત્સાહ યથાવત્‌ રહ્યો હતો અને પ્રથમ ૪ કલાકમાં જ રપ ટકાથી વધુ મતદાન થતાં ૭પ ટકા જેટલું મતદાન થાય તે લગભગ નિશ્ચિન થયું હતું. સાંજે પાંચ વાગ્યા સુધી જિલ્લા પંચાયતની ૩૪ બેઠકો માટે ૯.૬૧ લાખ મતદારો પૈકી ૬.૬૧ લાખ મતદારોએ મતદાન કરતાં ૬૮.૭૩ ટકા મતદાન થયું હતું. આમ, મતદાન પ્રક્રિયા પૂરી થતાં સુધી સાંજે ૬ વાગ્યા સુધી ૭૪ ટકા જેટલું મતદાન થાય તેવી શક્યતા હતી. વર્ષ ૨૦૧૫માં યોજાયેલી ચૂંટણીમાં ૭૨.૪૮ ટકા મતદાન થયું હતું.

જ્યારે ૮ તાલુકા પંચાયતોની ચૂંટણીમાં સાંજે પાંચ વાગ્યા સુધી ૯.પ૪ લાખ મતદારો પૈકી ૬.પ૪ લાખ મતદારોએ મતદાન કરતાં ૬૮.પ૮ ટકા મતદાન નોંધાયું હતું. આમ તાલુકા પંચાયતમાં પણ ૭૪ ટકાની આસપાસ મતદાન નોંધાય તેવી શકયતા છે. જ્યારે ત્રણ નગરપાલિકાઓની ચૂંટણીમાં સાંજે પાંચ વાગ્યા સુધી ૬૬.પ૪ ટકા મતદાન થયું હતું. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર શાલિની અગ્રવાલે મતદાન દરમિયાન સતત ગ્રામ્ય વિસ્તારોના વિવિધ મતદાન મથકો પર ફરીને મતદાન પ્રક્રિયાની સમીક્ષા સાથે મતદારોની સાથે વાતચીત કરી હતી. આજે ૬ વાગે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા સંપન્ન થતાં તમામ મતદાન મથકો પરથી ઈવીએમ મતગણતરી કેન્દ્રો પર મોકલાયા હતા. આમ ગ્રામ્ય વિસ્તારના મતદારએ જિલ્લા પંચાયતની ૩૪ બેઠકો માટે ૧૦૪, તાલુકા પંચાયતની ૧૬૭ બેઠકો માટે ૪૪૭ અને ત્રણ નગરપાલિકાની ૮૩ બેઠકો માટે ર૧૯ ઉમેદવારોનું ઈવીએમમાં સીલ કર્યું હતું. હવે તા.ર માર્ચે જે તે તાલુકા મથકે મતગણતરી શરૂ કરવામાં આવશે.