આણંદ : આપણે બેરોજગારી વધી હોવાની બૂમો ભલે પાડતાં હોઈએ, પણ સરકારી કચેરીઓના ચોપડે બોલતાં આંકડા કંઈ ઔર પિક્ચર દેખાડી રહ્યાં છે. જિલ્લા રોજગાર કચેરી આણંદ દ્વારા છેલ્લા ત્રણ વર્ષમાં ૩૩,૨૨૩ રોજગાર વાંચ્છું ઉમેદવારોના નામની નોંધણી કરવામાં આવી હતી. નોકરીદાતાઓ દ્વારા ૩૬,૦૨૯ ખાલી જગ્યાઓ નોટિફાઇડ કરવામાં આવી હતી, જ્યારે ત્રણ વર્ષમાં જિલ્લા રોજગાર કચેરી આણંદ દ્વારા કુલ ૩૪,૫૯૫ ઉમેદવારોને રોજગારી મળી હતી. આ ઉપરાંત જિલ્લામાં છેલ્લાં ત્રણ વર્ષ દરમિયાન ૮૧ રોજગાર ભરતી મેળા યોજવામાં આવ્યાં હતા, જેમાં ૨૩,૩૭૯ ઉમેદવારોની નોકરીદાતાઓ દ્વારા પ્રાથમિક પસંદગી કરી રોજગારીની તકો ઉપલબ્ધ કરાવવામાં આવી હતી, જ્યારે આર્મીમાં જાેડાવવા ઈચ્છુક ઉમેદવારો માટે ૩૦ દિવસના નિવાસી તાલીમ વર્ગ યોજવામાં આવ્યાં હતાં, જેમાંથી ૧૨ ઉમેદવારો શારીરિક કસોટી અને મેડિકલ કસોટીમાં પાસ થયા હતા. 

વિદ્યાર્થીઓ અભ્યાસકાળ દરમિયાન જરૂરી કારકિર્દી અંગે માર્ગદર્શન મળી રહે તે માટે જિલ્લા રોજગાર કચેરી દ્વારા શાળા, કોલેજાે, આઈટીઆઈ, કેવીકે ખાતે કેરિયર માર્ગદર્શન યોજવામાં આવે છે, જેનાં ભાગરૂપે જિલ્લામાં ૨૭૧ કેરિયર માર્ગદર્શન સેમિનારો યોજવામાં આવ્યાં હતા. ઉપરાંત ૧૦૪ સ્વરોજગાર શિબિર યોજીને ૨૧૧૮૨ વિદ્યાર્થીઓએ સ્વરોજગારી અંગે વિવિધ યોજનાઓની માહિતી આપવામાં આવી હતી જયારે વિદેશમાં રોજગાર, અભ્યાસ અને કારકીર્દી બનાવવા ઈચ્છતા યુવક-યુવતીઓ માટે કચેરી દ્વારા ૪૭ સેમિનારોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ૩૪૫૯ વિદ્યાર્થીઓને વિદેશમાં રોજગાર, અભ્યાસ અને કારકિર્દી માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હોવાનું આણંદના જિલ્લા રોજગાર અધિકારી(જનરલ)એ એક યાદી દ્વારા જણાવ્યું છે.