દીવ-

દીવ જિલ્લામાં ગ્રામ પંચાયત અને જિલ્લા પંચાયતની સામાન્ય ચૂંટણીને ધ્યાનમાં રાખીને દીવ જિલ્લા કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા ચૂંટણી પ્રક્રિયાને મુક્ત, શાંતિપૂર્ણ અને સુખદ વાતાવરણમાં કરાવા અને કાયદો અને વ્યવસ્થા જાળવવાના હેતુથી જિલ્લામાં કલમ ૧૪૪ લગાવી છે.

આ કલમ ના અમલ બાદ, કોઈપણ પ્રકારનાં મેળાવડા અથવા પ્રદર્શન પહેલાં જિલ્લા વહીવટીતંત્રની પરવાનગી લેવી જરૂરી રહેશે. જો આમ કરવામાં નહીં આવે, તો પ્રશાસન સંબંધિત વ્યક્તિઓ સામે કાર્યવાહી કરી શકે છે. જિલ્લા કલેકટર સલોની રાયે આ સંદર્ભે આદેશ આપ્યો છે કે, કેટલાક અસામાજિક તત્વો દીવ જિલ્લામાં ગામ / જિલ્લા પંચાયતની સામાન્ય ચૂંટણીમાં સામાજિક સમરસતા અને શાંતિ અને સલામતી બગાડવાનું કામ કરી શકે છે. આ અંતર્ગત કોઈપણ રાજકીય પક્ષે સરઘસ, દેખાવો અને સભાઓ લેતા પહેલા લેખિતમાં જિલ્લા ચૂંટણી અધિકારીની પૂર્વ મંજૂરી લેવી પડશે.