મુંબઈ-

આશાસ્પદ જાહેરક્ષેત્રના એકમોમાં નાણાં રોકવાની તમારી ઈચ્છા હોય તો વધુ એક તક તમારી રાહ જૂએ છે. પબ્લિક સેક્ટરની રેલટેલ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડનો IPO 16 ફેબ્રુઆરી 2021 ના ​ રોજ ​સબ્સ્ક્રિપ્શન માટે ખુલશે. રેલ્ટેલ એ રેલવે મંત્રાલય હેઠળનું એટલે કે જાહેરક્ષેત્ર હેઠળનું એકમ છે, જે ભારતીય રેલ્વે નેટવર્ક પર ફાસ્ટ અને ફ્રી વાઇફાઇ પ્રદાન કરે છે. આ આઈપીઓ 16 ફેબ્રુઆરીએ ખુલશે અને તેમાં 18 ફેબ્રુઆરી સુધી રોકાણ કરી શકાશે. કંપનીએ આ માટે શેર દીઠ ભાવ 93-94 રૂપિયા નક્કી કર્યા છે. આ પબ્લિક ઓફર દ્વારા સરકાર રૂ 820 કરોડ એકત્ર કરી શકશે, એમ મનાય છે.

જાહેરક્ષેત્રના આ એકમ રેલટેલની રચના વર્ષ 2000માં કરવામાં આવી હતી. તેને ટ્રેન નિયંત્રણ, સંચાલન અને સલામતી માટે અપનાવવામાં આવતી ટેલિકમ્યુનિકેશંસ સિસ્ટમનો આધુનિકીકરણ કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું. આ સાથે, વધારાની આવક મેળવવા માટે દેશવ્યાપી બ્રોડબેન્ડ તેમજ  મલ્ટિમીડિયા સહિતની સુવિધા માટે નેટવર્ક બનાવવાનું કામ પણ આપવામાં આવ્યું હતું. આ તમામ સુવિધાઓ જાળવવા માટે વળી રેલવે ટ્રેકની સમાંતરે ઓપ્ટિકલ ફાઈબર્સ ઈન્સ્ટોલ કરવાનું કામ પણ આ જ કંપનીને સોંપવામાં આવ્યું હતું. આ આઈપીમાં લોટ સાઈઝ 155 એક્વિટી શેર્સની હોવાને લીધે રોકાણકારે ઓછામાં ઓછા રૂપિયા 14,570 રોકવાના રહેશે.