મુંબઈ-

મહારાષ્ટ્રના પુણે ખાતે ડૉક્ટર્સ ડેના દિવસે જ એક ડૉક્ટર દંપતીએ આત્મહત્યા કરી લીધી હતી. જાણવા મળ્યા મુજબ વનવાણી થાણા ક્ષેત્રના આઝાદ નગરમાં રહેતા ડૉક્ટર પતિ-પત્ની વચ્ચે કોઈ વાતને લઈ ચણભણ થઈ હતી. ત્યાર બાદ પહેલા પત્ની અને બાદમાં પતિએ આત્મહત્યા કરી લીધી હતી. બંનેની ઓળખ અંકિતા નિખિલ શેંડકર (૨૬) અને નિખિલ દત્તાત્રેય શેંડકર (૨૮) તરીકે સામે આવી છે.

અંકિતા અને નિખિલ બંને આઝાદ નગર વિસ્તારમાં રહેતા હતા અને અલગ-અલગ જગ્યાએ પ્રેક્ટિસ કરતા હતા. મોડી રાતે ઘરે પરત ફરતી વખતે બંને વચ્ચે ફોનમાં રકઝક થઈ હતી. રાતે આશરે ૮ઃ૦૦ વાગ્યે નિખિલ ઘરે પહોંચ્યો ત્યારે અંકિતાએ આત્મહત્યા કરી લીધી હતી. અંકિતા બેડરૂમમાં પંખા સાથે લટકતી મળી આવી હતી. તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવી હતી જ્યાં ડૉક્ટર્સે તેને મૃત ઘોષિત કરી હતી. પોસ્ટમોર્ટમ બાદ અંકિતાનો મૃતદેહ તેના ભાઈને સોંપી દેવામાં આવ્યો હતો.પત્નીની આત્મહત્યાનો આઘાત સહન ન થતા નિખિલે ગુરૂવારે સવારે ફાંસી ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. નિખિલના મૃત્યુના સમાચાર મળતા જ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલ મોકલી આપ્યો હતો.

પોલીસના કહેવા પ્રમાણે હાલ આત્મહત્યાનું કારણ સ્પષ્ટ નથી થયું પરંતુ બંને માનસિક સંકટમાંથી પસાર થઈ રહ્યા હતા અને બંને વચ્ચે રકઝક ચાલતી હતી. હાલ પોલીસે આકસ્મિક મોતનો કેસ નોંધ્યો છે અને આગળની તપાસ હાથ ધરી છે. જાણવા મળ્યા મુજબ થોડા સમય પહેલા જ બંનેના લગ્ન થયા હતા અને કેટલાક દિવસથી તેમના વચ્ચે અણબનાવ ચાલી રહ્યો હતો.