અમદાવાદ-

અમદાવાદ સિવિલ હોસ્પિટલના નામે વધુ એક અનોખી સિદ્ધી નોંધાઈ છે. અમદાવાદમાં ૪૩૦ ગ્રામ વજન ધરાવતી બાળકીને સિવિલના નિષ્ણાત ડોક્ટર્સની મદદથી નવજીવન મળ્યું છે. જન્મ સમયે આટલું ઓછું વજન હોય તેવા કિસ્સામાં બાળકનું બચવું લગભગ અશક્ય હોય છે. મધ્યપ્રદેશના ગરીબ શ્રમિક દંપતીની ૪૩૦ ગ્રામ વજન સાથે જન્મેલી એક બાળકીનો જીવ બચાવવાની વિરલ સિદ્ધિ અમદાવાદ સિવિલના તબીબોએ મેળવી છે.

અમદાવાદ સિવિલના ઇતિહાસમાં છેલ્લે ૬૫૦ ગ્રામ વજનનું બાળક સર્વાઇવ થયાનું નોંધાયું છે, પરંતુ આટલા ઓછા વજન સાથે જન્મેલું બાળક માત્ર ડોક્ટર્સની મહેનત અને કોશિશથી સર્વાઇવ થયાનો આ સૌપ્રથમ કિસ્સો છે. આ કિસ્સો મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નેત્તૃવ હેઠળની ગરીબ દર્દીઓ પ્રત્યેના ગુજરાત સરકારના સંવેદનશીલ અભિગમ અને અમદાવાદ સિવિલના તબીબોની કોશિશ અને કાળજીનો પરિચાયક છે,

કારણકે તેના લીધે જ જ ઇન્દોરના ગરીબ માતા-પિતાની આ બાળકીએ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં વિનામૂલ્યે ઇલાજ પામીને મોત પર જીત મેળવી છે. મધ્યપ્રદેશના ઇન્દોર શહેરના નજીકના વિસ્તારમાં રહેતા અને કડિયાકામ કરીને રોજીરોટી રળનારા દંપતી જિતેન્દ્ર અંજાને અને રેણુ અંજાને માટે આ વર્ષ એક અલગ જ સમસ્યા લઇને આવ્યું હતું. ૨૦૨૦ના વર્ષમાં સમગ્ર દુનિયાના લોકો પોતાના જીવની ચિંતા કરવા મજબૂર બન્યા હતાં, જ્યારે આ ગરીબ અંજાને દંપતી જેણે હજુ જન્મ પણ નથી લીધો તેવા પોતાના સંતાનના જીવની ચિંતામાં ધકેલાયું હતું.