ગાંધીનગર-

એક તરફ શિયાળાની શરૂઆત, અને બીજી તરફ તહેવારોની સીઝન. કોરોનાના કેસ વધવા માટે બંને કારણો જવાબદાર છે. છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતમાં કોરોનાના કેસ માં વધારો નોંધાઈ રહ્યાં છે. આવામાં દર્દીઓની સમયસર સારવાર મળે તે જરૂરી છે. તેથી દિવાળી (diwali) માં કોરોના‌ સંક્રમણ ફેલાવવાની ભીતિએ આરોગ્ય વિભાગ દ્વારા વિભાગના તમામ કર્મચારીઓની રજા કેન્સલ કરાઈ છે.

આરોગ્ય વિભાગના તમામ કર્ચમારીઓની રજા નામંજૂર કરાઈ છે. જાહેર આરોગ્યના અધિક નિયામકનો તમામ જિલ્લા આરોગ્ય અધિકારીઓ, મેડિકલ કોલેજના ડીન અને નાયબ નિયમકોને પત્ર લખાયો છે. જે મુજબ, તહેવારોના સમયમાં સંક્રમણ વધુ ફેલાવવાના ભયને કારણે રજાઓ નામંજૂર કરવા આદેશ કર્યો છે. માત્ર માંદગીના કિસ્સામાં વૈકલ્પિક વ્યવસ્થા બાદ જ રજા મંજૂર કરવાનો પત્રમાં ઉલ્લેખ કરાયો છે. તેમજ આ આદેશનું ચુસ્તપણે પાલન કરવા પણ નિર્દેશ કરાયા છે. અમદાવાદ સિવિલ કેમ્પસ માં અંદાજે 7000 જેટલા કર્મચારીઓની રજા કેન્સલ કરાઈ છે. દિવાળીની રજામાં પણ ડોક્ટર, નર્સ, ટેક્નિકલ - નોનટેક્નિકલ, સફાઈકર્મીઓ દર્દીઓની સેવામાં ખડેપગે હાજર રહેશે. 1200 બેડ કોવિડ હોસ્પિટલમાં તમામ સ્વાસ્થયકર્મીઓ દર્દીઓની સારવાર માટે ઉપલબ્ધ રહેશે જેથી હવે કોરોનાકાળમાં ઉજવાતી દિવાળીમાં દર્દીઓને પૂરતી સુવિધા મળી રહેશે.