વડોદરા, તા.૧૧ 

સરકાર દ્વારા આયુર્વેદિક તબીબોને પ૮ પ્રકારની સર્જરી કરવાની મંજૂરી આપતું જાહેરનામું બહાર પાડયા બાદ તેના વિરોધમાં દેશવ્યાપી અહિંસક આંદોલન ચલાવી રહેલા આઈએમએ વડોદરા દ્વારા આંદોલનના ભાગરૂપે ખાનગી હોસ્પિટલના તબીબોએ અતિઆવશ્યક સર્જરી, કોરોના સિવાયની સામાન્ય તેમજ આરોગ્ય સેવાની ઓપીડી બંધ રાખી આરોગ્ય સેવાઓથી અલિપ્ત રહી વિરોધ નોંધાવી સવારના ૬ થી સાંજના ૬ વાગ્યા સુધી બંધ રાખવામાં આવી હતી. સરકાર દ્વારા આયુર્વેદ તબીબો નાક, કાન, આંખ સહિતની પ૮ પ્રકારની સર્જરી કરી શકશે તેવું સરકારે જાહેરનામું પાડયું હતું. જેના કારણે એલોપથી તબીબોમાં ભારે નારાજગી સાથે વિરોધવંટોળ જાેવા મળ્યો હતો અને સીસીઆઈએમના આ સર્જરીના આદેશને પરત ખેંચવા માટે આઈએમએ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્રણ દિવસ અગાઉ આઈએમએ દ્વારા દેશવ્યાપી વિરોધ આંદોલન-દેખાવો યોજવામાં આવ્યા હતા. અહિંસક આંદોલનના ભાગરૂપે આજે આઈએમએ વડોદરા દ્વારા તબીબોએ અતિઆવશ્યક આરોગ્ય સર્જરી અને કોરોના સિવાયની સામાન્ય આરોગ્ય સેવાની ઓપીડી બંધ રાખી આરોગ્ય સેવાઓથી તબીબો અલિપ્ત રહી સવારના ૬ થી સાંજના ૬ વાગ્યા સુધી ઓપીડી બંધ રાખી વિરોધ નોંધાવ્યો હતો. બે દિવસ અગાઉ પણ કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર આપી પ્લેકાર્ડ-બેનર સાથે વિરોધ નોંધાવ્યો હતો.