વડોદરા

શહેર નજીક ગુજરાત રિફાઇનરી સુંકલની સાઇરન શુક્રવારે મધરાતે ગુંજી ઉઠતા નાગરિકોમાં ભયની લાગણી વ્યાપી હતી. રિફાઇનરીમાં દુર્ઘટના સર્જાઇ હોવાના પ્રાથમિક અહેવાલો વહેતા થતાં લોકોમાં ગભરાટની લાગણી જન્મી હતી. જાેકે પાછળથી ઓનસાઇટ ડિઝાસ્ટર મેનેજમેન્ટના ભાગરૃપે આ કવાયત કરવામાં આવી હોવાની જાણ કરવામાં આવી હતી.

ગુજરાત રિફાઇનરી નજીકના આવેલાકોયલી,બાજવા, ઉંડેરા, કરચીયા. ધનોરા સહિતના ગામોના નાગરિકોએ મોબાઇલ પર એક બીજાને સાવધ કર્યા હતા. ગુજરાત રિફાઇનરીમાં જાે રાત્રીના સમયે કોઇ દુર્ઘટના સર્જાય તો તુરત જ કેવી રીતે ડિઝાસ્ટર મેનેજમેન્ટ સાથે સંકળાયેલી એજન્સીઓ કાર્ય કરે છે તે જાેવા માટે આ કવાયત હતી.

ગુજરાત રિફાઇનરીના સેફટી, ફાયર,મેડિકલ, વહીવટી સહિતના વિભાગ તથા પોલીસ, જિલ્લા વહીવટી તંત્ર , ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્ડસ્ટ્રિયલ સેફટી એન્ડ હેલ્થના અધિકારીઓએ તમામ કામગિરીનું સંકલન કર્યું હતું.