વડોદરા -

મધ્ય ગુજરાતની સૌથી મોટી સરકારી સયાજી હોસ્પિટલના સત્તાધીશો દ્વારા પારદર્શક વહીવટ માટે સક્રિય પ્રયાસો કરવામાં આવી રહ્યા છે પરંતુ હોસ્પિટલના કેટલાક સ્થાપિત હિતો દ્વારા સયાજી હોસ્પિટલના વહીવટીતંત્રને વિવાદમાં રાખવામાં માગતા હોય તેમ આજે વધુ એક હોસ્પિટલના પેથોલોજી લેબોરેટરી વિભાગમાં લાલિયાવાડીનો કિસ્સો સામે આવ્યો હતો.  

પેથોલોજી લેબોરેટરી વિભાગમાં બ્લડ સેમ્પલ આવતાં દર્દીના સગાંઓને લેબોરેટરી કર્મચારીના સ્ટાફ કરતાં લેબોરેટરીમાં કૂતરાઓ વધુ ફરતા અને આરામ ફરમાવતા નજરે પડી રહ્યા છે. એટલું જ નહીં, આ લેબોરેટરીમાં ફરજ બજાવતા સ્ટાફ કર્મચારીઓ એક રૂમમાં ટેબલો ઉપર બેસીને ગપ્પા માર્યા કરે છે, આમતેમ ફરતા હોય છે અને બ્લડ સેમ્પલ આપવા માટે આવેલ દર્દીઓના સગાંઓને કલાકો સુધી સેમ્પલ કલેકશન વિન્ડો (બારી) પાસે ઊભા રહેવાની ફરિયાદો પણ ઊઠવા પામી છે.

સેમ્પલ કલેક્શન વિન્ડો પર સ્ટાફ કર્મચારી હાજર ન હોવાથી તેની તપાસ કરવામાં આવતાં ફરજ પરનો સ્ટાફ એક રૂમમાં બેસીને ટેબલ-ખુરશી પર ગપાટાં મારતાં જાેવા મળ્યા હતા. જ્યારે પૂછવામાં આવે ત્યારે સ્ટાફના સભ્યો જણાવતા કે અમે કામ કરી રહ્યા છે, બહાર નીકળો, બારી પર ઊભા રહો તેવો ઉદ્વત જવાબો સાંભળવા મળ્યા હતા. આ વિભાગના ફરજ પરના સ્ટાફ કર્મચારીઓની લાલિયાવાડી અને ઉદ્વત વર્તન ત્યારે જાેવા મળ્યું કે, સેમ્પલ કલેકશન વિન્ડો-બારી સહિત વિભાગના પ્રવેશદ્વારના પગથિયાં અને ક્લાર્કની ઓફિસ સામે જ રસ્તે રખડતા જંગલી કૂતરાઓની ફોજ ફરતી અને આરામ ફરમાવતા નજરે પડયા હતા. આ કૂતાઓને લેબોરેટરીમાંથી હટાવવા કે ભગાવવા માટે સ્ટાફ કે વોચમેન દ્વારા તસ્દી પણ લેવામાં આવતી નથી. પેથોલોજી લેબ.માં બ્લડ સેમ્પલ આપવા આવનાર દર્દીના સગાંને કરડી ખાય તે માટેની જવાબદારી કોની? આ એક યક્ષપ્રશ્ન છે.