ગીરસોમનાથ, સરકારી તંત્રની નિંભરતાનું એક વરવુ ઉદાહરણ સામે આવ્યું છે જેને કારણે સરકારમાં બધુ લોલમલોલ ચાલે છે તેની લોકોને પ્રતિતી થઇ રહી છે. ગીરસોમનાથ જીલ્લાનું આરોગ્ય તંત્ર કેટલું નઘરોળ છે તેનું ડોળાસામાંથી ઉદાહરણ મળ્યુ છે. અહીં લાખો રૂપિયાની મોંઘીદાટ દવાઓ એક્સાપયર થઇ ગઇ છે. જ્યારે લોકોને દવા માટે વલખાં મારવા પડે છેત્યાં ડોળાસામાં શરદી, ખાંસી ,તાવ સહિતની દવાઓની તારીખ જતી રહેતા હવે તેને ફેંકવા સિવાય કોઇ ઓવારો નથી. ત્યારે સમગ્ર ઘટના એવી છે કે કોડીનાર તાલુકાના ડોળાસા ગામે બે વર્ષ પૂર્વે સાડા ત્રણ કરોડના ખર્ચે સામૂહિક આરોગ્ય કેન્દ્રનું નિર્માણ કરી કાર્યરત કર્યું છે, પરંતુ આ સીએચસીમાં સુવિધાના નામે મીડું છે. જે અંગેની આજે રજૂઆત કરવા ગામના આગેવાનો ગયા હતા. તે સમયે કેન્દ્રના ઉપરના ભાગે તપાસ કરતા પાંચ રૂમમાં મુદત વિતી ગયેલી દવાઓનો બહુ મોટો જથ્થો મળી આવ્યો હતો. ત્યારે સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર કરાવવા આવતા દર્દીઓને નિઃશુલ્ક આપવાની થતી સરકારી દવાઓ આપવામાં આવી જ ન હોવાનો સવાલ આગેવાનોએ ઉઠાવ્યો હતો. ડોળાસાના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં કેટલીક જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ ન હોવાથી તેની જાણકારી મેળવવા અર્થે માજી સરપંચ જેઠા મોરી, પંચાયતના સદસ્ય કાદુ ડોડીયા, કિશન સંઘના અગ્રણી વિજય પરમાર સહિતના કેન્દ્રએ ગયા હતા. જ્યાં ઇન્ચાર્જ મેડિકલ ઓફિસર સાથે કેન્દ્રના ઉપરના ભાગે નિરીક્ષણ અર્થે ગયા હતા. જ્યાં બંધ રૂમોમાં તપાસ કરતા જે નજારો જાેવા મળ્યો તે નિહાળીને સૌની આંખો પહોળી થઈ ગઈ હતી. કેન્દ્રના ઉપરના માળના પાંચ રૂમમાં દવાઓનો મોટો જથ્થો પડ્યો હતો. જેની બારીકાઇથી તપાસ કરતા જાેવા મળ્યું હતું કે, આ તમામ દવાઓની મુદત વિતી ગયેલી જાેવા મળી હતી. એક્સપાયરી થયેલી દવાઓનો જથ્થો લાખોની હોવાનું આગેવાનોએ જણાવ્યું હતુ. તંત્રની બેદરકારીના કારણે ગરીબ અને મધ્યમ દર્દીઓને આપવાની થતી દવાઓ આપ્યા વગર જ પડતર રહી છે. સરકારે માનવ કલ્યાણ અર્થે દર્દીઓને આરોગ્ય કેન્દ્રમાંથી જ કિંમતી દવાઓ મફત મળી રહે તે માટે જરૂરીયાત મુજબની દવાઓનો જથ્થો ફાળવણી કરતી હોય છે, ત્યારે સવાલ એ ઊભો થાય છે કે, ડોળાસાના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં આટલો મોટો દવાનો જથ્થા ઉપયોગ વગર કેમ પડ્યો રહ્યો ? આના માટે કોણ જવાબદાર છે ? તેવા સવાલો આગેવાનોએ ઉઠાવી તપાસ કરવા માંગણી કરી હતી. આ મામલો સામે આવતા ચકચાર પ્રસરી ગઈ છે. જ્યારે આ મામલે જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. રોયનો સંપર્ક કરતા તેઓ ડોળાસા આરોગ્ય કેન્દ્રમાં એક્સપાયરી દવાનો મોટો જથ્થો હોવા અંગે અજાણ હોવાનું જણાવ્યું હતુ. આ મામલે તેઓ તપાસ કરાવશે ત્યાર બાદ જ કઈ કહી શકીશ તેમ જણાવ્યું હતુ.

જ્યારે ગામમાં દવાઓની બૂમો પડવા માંડી ત્યારે ગામલોકોને શંકા ગઇ હતી જેને કારણે ગામના જાગૃત લોકોએ આરોગ્ય કેન્દ્રની તપાસ કરી હતી જેને કારણે ભોંડો ફટ્યો હતો. જાે ગામલોકોને શઁકા ન જાત અને તેમણે તપાસ ન કરી હોતતો હજુ આ ભાંડો ફૂટ્યો ન હોત.આ ડોળાસાનું ઉદાહરણ છે ત્યારે આવી કેટલાંય ગામડાઓના સરકારી દવાખાનાઓમાં આવી હાલત હશે તેવી કલ્પના જ કરવી રહી. રાજ્યનું આરોગ્ય તંત્ર સબસલામતી ઘૂણી ઘખાવે છેત્યારે ડોળાસાના ઉદાહરણ પરથી ધડો લઇને અન્ય આવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર,પેટા આરોગ્ય કેન્દ્રમાં તપાસ કરાવશે કે નહીં તે સવા લાખનો સવાલ ઉભો થાય છે.