વડોદરા : શહેરના ખાનગી ટયૂશન ક્લાસિસના સંચાલકોએ કોરોનાના કારણે ફરી બંધ કરાવવામાં આવેલા ટયૂશન ક્લાસિસ મર્યાદિત વિદ્યાર્થીઓની સંખ્ય સાથે ચાલુ રાખવાની મંજૂરી આપવાની માગ સાથે ઓએસડી ડો. વિનોદ રાવને રજૂઆત કરી હતી. વારંવાર ટયૂશન ક્લાસિસના સંચાલકોને હેરાનગતિ કરીને શિક્ષકો અને તેમના પરિવારોને આત્મહત્યા કરવા દુષ્પ્રેરણાના નિમિત્ત ન બનશો તેમ પણ કહ્યું હતું.

ઓએસડી ડો. વિનોદ રાવને આપેલા આવેદનપત્રમાં બરોડા એકેડેમિક એસોસિયેનના સભ્યોએ જણાવ્યું હતું કે, અમારી સંસ્થા છેલ્લાં રપ વર્ષથી વિદ્યાર્થીઓને સાચું જ્ઞાન પ્રદાન કરવા અને યોગ્ય માર્ગદર્શન આપવા કાર્યરત રહે છે. તાજેતરમાં ફરી કોવિડ-૧૯ની પરિસ્થિતિ વણસતાં તંત્રે ટયૂશન ક્લાસિસ અને કોચિંગ કલાસિસ બંધ રાખવાનો આદેશ આપ્યો છે. શું કોરોના માટે ક્લાસિસ જવાબદાર છે? રાજકીય અને ધાર્મિક કાર્યક્રમો નહીં? તેવા સવાલ ઊઠાવવામાં આવ્યા હતા.

ટયૂશન સંચાલકો કોવિડ-૧૯ની ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરે છે, તેથી વાલીઓ ભરસો રાખી વિદ્યાર્થીઓને અભ્યાસ કરવા માટે મોકલે છે. વારંવાર ટયૂશન સંચાલકોને હેરાનગતિ કરીને શિક્ષક અને તેમના પરિવારોને આત્મહત્યા કરવાના દુષ્પ્રેરણાના નિમિત્ત ન બનવા પણ કહ્યું હતું. આ ઉપરાંત એસોસિયેશને જણાવ્યું હતું કે, ટયૂશન ક્લાસ બંધ થવાને કારણે સંચાલકોની હાલત કફોડી બની જશે. ટયૂશન સંચાલકોના પરિવારનું ગુજરાન માત્ર ને માત્ર ટયૂશન ક્લાસ ઉપર ચાલે છે. ત્યારે ટયૂશન ક્લાસ બંધ કરાવી દેવામાં આવશે તો નાછૂટકે શિક્ષક અને તેમના પરિવારને આપઘાત કરવાનો વખત આવશે અને આપઘાત માટે બીજું કોઈ નહીં, પણ તંત્ર જ જવાબદાર રહેશે તેમ જણાવ્યું હતું.