વડોદરા : છેલ્લા બે દાયકાથી વધુ સમયથી પ્રજાના કરવેરાના અબજાે રૂપિયાનો ‘ગેરવહીવટ’ કરી શહેરને નર્કાગાર બનાવી દેનાર ભાજપાના કોર્પોેરેટરો કેટલા જાડી ચામડીના, નફફટ અને સત્તાની ચરબીથી ફાટફાટ થઈ રહ્યા છે તેનો એક તાજાે દાખલો સામે આવ્યો છે. 

તાજેતરના ચોમાસાએ શહેરને પરંપરાગત રીતે ‘ખાડોદરા’ બનાવી દીધું અને એ અંગે પ્રજામાં પાલિકાના શાસકો સામે ભારોભાર આક્રોશ પ્રવર્તી રહ્યો છે. સ્વાભાવિક રીતે જ પ્રજાજનો પોતપોતાના વોર્ડમાંથી તેમણે ચૂંટીને મોકલેલા પ્રજા-પ્રતિનિધિઓને આ અંગે ફરિયાદો કરી રહ્યા છે અને સ્થાપિત કોન્ટ્રાકટરોના ટુકડા પર નભતા અને તેમના પાલતુ કૂતરાઓ જેવા બની ગયેલા પ્રજા-પ્રતિનિધિઓ સામે સોશિયલ મીડિયા પર સતત આક્રોશ ઠાલવી રહ્યા છે.

આ ફરિયાદો શાંતિથી સાંભળી તેનું નિરાકરણ લાવવાને બદલે સત્તાના મદમાં છાકટા બનેલા પ્રજા-પ્રતિનિધિઓ પૈકીના એક વોર્ડ નં.૮ના કોર્પોરેટર ધર્મેન્દ્ર પંચાલે એક વોટ્‌સએપ મેસેજ મોકલી પોતાની નફફટાઈનું પ્રમાણપત્ર જાતે જ મેળવી લીધાનું સપાટી પર આવ્યું છે.

વોટ્‌સએપ પર કોર્પોરેટર ધર્મેન્દ્ર પંચાલે મુકેલા સંદેશામાં તેઓ ‘જાહેર સૂચના’ સ્વરૂપે કહે છે કે, ‘મને વરસાદથી ધોવાયેલા રોડ રસ્તા-ખાડાના ફોટા મોકલવા નહીં. કેમ કે, આવા ખાડા ચોમાસામાં ગમે તે સરકાર હોય પડે જ છે, હું જાેઉં જ છું.’ આ જાહેર સૂચનામાં ધર્મેન્દ્ર પંચાલ નફફટાઈપૂર્વક કહે છે કે, ‘જેમ કે ૨૦૧૪ પહેલાં રોડ પર ખાડાની જગ્યાએ હીરા અને મોતી નીકળતા હતા.’ નરેન્દ્ર મોદી ૨૦૧૪માં વડાપ્રધાન બન્યા એ વાત સાચી, પરંતુ વડોદરા શહેરમાં પડેલા ખાડા એ વડોદરા પાલિકા હસ્તકનો વિષય છે, નહીં કે વડાપ્રધાન હસ્તકનો. એટલી સાદી સમજ પણ નહીં ધરાવતા હોય એમ કોર્પોરેટર ધર્મેન્દ્ર પંચાલ આગળ લખે છે કે, રસ્તા પર પડેલા ખાડા, રોડ-રસ્તા માટે મેં નરેન્દ્ર મોદીને મત આપ્યો જ નથી. મારું લક્ષ્ય હતું શ્રીરામ મંદિર, કાશ્મીરમાં ૩૭૦ કલમ હટાવવી, સમાન નાગરિક ધારો, આતંકવાદીમુક્ત ભારત... એ આગળ લખે છે કે શાંતિ-સલામતી અને અખંડ ભારતનું નિર્માણ અને આ બધું જ કરવાના પ્રયાસો નરેન્દ્ર મોદી સરકાર કરે છે તેનો મને આનંદ-સંતોષ છે.

આટલું ઓછું હોય તેમ સત્તાના મદમાં છકી ગયેલા કોર્પોરેટર ધર્મેન્દ્ર પંચાલ સંદેશાના સમાપનમાં કહે છે કે, ‘બાકી મફતના ગાંઠિયા ખાઈને મત આપનારા મફતિયાઓની સલાહની જરૂર નથી.’

જેમણે ખોબલે-ખોબલે મત આપી પોતાને ચૂંટયો એ મતદારોને હવે મફતિયા ગણાવતા વોર્ડ નં.૮ના કોર્પોરેટર ધર્મેન્દ્ર પંચાલના આ સંદેશાએ સમગ્ર વોર્ડ ઉપરાંત સામાન્ય નાગરિકોમાં પણ રોષ જન્માવ્યો છે અને આટઆટલું ‘ઝાપટી’ ગયા બાદ પણ ઓડકાર પણ નહીં ખાતા અને ઉપરથી આવા નફફટ સંદેશાઓ વહેતા મૂકનાર શાસક ભાજપા પર ફિટકાર વરસાવાઈ રહ્યો છે.

ગોરવા શાકમાર્કેટ વિષયે ભેદી ભૂમિકા ભજવી હતી?

જાે આ સંદેશો અન્ય કોઈનો હોય અને તે મળ્યા પછી પોતે એને સેંકડો લોકોને મોકલી વાયરલ કર્યો હોય તો વોર્ડ નં.૮ના કોર્પોરેટર ધર્મેન્દ્ર પંચાલનો એ બચાવ પણ હાસ્યાસ્પદ ઠરે એમ છે. કારણ કે, એને વાયરલ કરવા જતાં પોતાને જ ટીકાનો ભોગ બનવું પડશે એટલી સાદી સમજ પણ નહીં ધરાવતા કોર્પોરેટર સત્તામાં આવ્યા પછી આર્થિક રીતે કેટલા સધ્ધર થયા. ગોરવાનું શાકભાજી બજાર ખસેડવા અને નવી જગ્યાની ફાળવણીમાં કમાયા? અને હા તો કેટલા? એ પ્રશ્નો હવે તેમની સાદી સમજ નહીં હોવાની બાબતને પણ ખોટી ઠેરવી રહ્યા છે.