શામળાજી, ઉત્તરાખંડના મુખ્યમંત્રી તીરથ સિંહ રાવના મહિલાઓના પોષાક બાબતના નિવેદનને પગલે ભારે હોબાળો મચી ગયો છે. દરમિયાનમાં ગુજરાતના પ્રસિદ્ધ ધાર્મિક સ્થળ શામળાજીના વિષ્ણુ મંદિર ટ્રસ્ટે પણ આવો જ એક વિવાદિત નિર્ણય લીધો છે. ટ્રસ્ટે ટૂંકા વસ્ત્રો (સ્કર્ટ-બરમૂડા) પહેરીને જનારા શ્રદ્ધાળુઓના મંદિરમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકી દીધો છે. મંદિર ટ્રસ્ટ દ્વારા અપાયેલી માહિતી પ્રમાણે, આ નિયમને શુક્રવારથી જ લાગુ કરી દેવાયો છે. ટ્રસ્ટે કહ્યું હતું કે, આવા કપડાં પહેરીને આવનારા શ્રદ્ધાળુઓને મંદિરની બહાર જ રોકી દેવાશે. જાે કે, ટ્રસ્ટ દ્વારા દર્શન કરવા માટેના વસ્ત્ર સુધીની વ્યવસ્થા કરવામાં આવશે. એ મુજબ, મંદિરની બહાર પુરુષો માટે ધોતી અને પિતાંબર તેમજ મહિલાઓ માટે લેહંગાની વ્યવસ્થા કરવામાં આવશે, જે પહેરીને તેઓ મંદિરમાં પ્રવેશ કરી શકશે. ટ્રસ્ટે મંદિરની બહાર એક બોર્ડ પણ લગાવી દીધું છે, જેના પર લખ્યું છે કે, દર્શન માટે આવનારા ભાઈ-બહેનોને વિનંતી છે કે, ટૂંકા વસ્ત્રો પહેરીને અને બરમૂડા પહેરીને મંદિરમાં પ્રવેશ નહીં મળે, માસ્ક પહેરવો અનિવાર્ય છે. શામળાજી ગુજરાતના અરવલ્લી જિલ્લા ખાતે સ્થિત એક કસ્બો છે, જે શામળાજી વિષ્ણુ મંદિરના નામ પર છે. આ આશરે ૨,૦૦૦ વર્ષ પૂરાણું મંદિર છે. શામળાજી મંદિર મેશ્વો નદીના કિનારે આવેલું છે. આ શ્રીહરીના આઠમા અવતાર શ્રીકૃષ્ણના શ્યામલ સ્વરુપના નામ પર છે. આ ગુજરાતના પ્રસિદ્ધ ધાર્મિક સ્થળો પૈકીનું એક છે. ઉત્તરાખંડના મુખ્યમંત્રી તીરથ સિંહ રાવતે કહ્યું હતું કે, મહિલાઓને ઘૂંટણ પાસે ફાટેલું જીન્સ પહેરેલી જાેઈને પરેશાની થાય છે. આવી મહિલાઓ પોતાના બાળકોની સામે આવા કપડાં પહેરશે તો એ તેમને કેવા સંસ્કારો આપશે. તેમના આવા બયાનને પગલે સોશ્યલ મિડિયામાં તેમની વિરુદ્ધ ટીપ્પણી શરુ થઈ ગઈ હતી. સોશ્યલ મિડિયા પર અનેક મહિલાઓએ રાવતના નિવેદનની ટીકા કરતાં પોતાની રીપ્ડ જીન્સ સાથેની તસવીરોને શેર પણ કરી હતી.