દિલ્હી-

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ભારતીય રેલવેના ડેડિકેટેડ ફ્રેટ કોરિડોરના એક ભાગનું ઉદ્ધાટન કર્યું. પીએમ મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કાનપુર પાસે ન્યૂ ભાઉપુર અને ન્યૂ ખુર્જા વચ્ચે બનેલા 351 કિલોમીટર લાંબા કોરિડોરને દેશને સમર્પિત કર્યો. આ અવસરે કેન્દ્રીય મંત્રી પીયુષ ગોયલ ઉપરાંત ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ હાજર રહ્યા.

આ અવસરે પીએમ મોદીએ કહ્યું કે આજનો દિવસ ભારતીય રેલવેના ગૌરવશાળી ભૂતકાળને ૨૧મી સદીની નવી ઓળખ આપનારો છે. ભારત અને ભારતીય રેલવેનું સામર્થ્ય વધારનારો છે. આજે આપણે આધાદી બાદનો સૌથી મોટો અને આધુનિક રેલવે ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ સાકાર થતો જાેઈ રહ્યા છીએ. આજે જ્યારે ભારત દુનિયાની મોટી આર્થિક તાકાત બનવાની દિશામાં ઝડપથી આગળ વધી રહ્યું છે ત્યારે ઉત્તમ કનેક્ટિવિટી દેશની પ્રાથમિકતા છે. આ સોચ સાથે ગત 6 વર્ષથી દેશમાં આધુનિક કનેક્ટિવિટીના દરેક પહેલુ પર ફોકસ સાથે કામ કરવામાં આવી રહ્યું છે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે આપણા ત્યાં મુસાફર ટ્રેન અને માલગાડીઓ બંને એક જ પાટા પર દોડે છે. માલગાડીઓની ઝડપ ધીમી હોય છે. આવામાં માલગાડીઓને રસ્તો આપવા માટે મુસાફર ટ્રેનોને સ્ટેશનો પર રોકવામાં આવે છે. જેનાથી મુસાફર ટ્રેનો લેટ પડે છે અને માલગાડી પણ. આ ફ્રેટ કોરિડોર આર્ત્મનિભર ભારતના ખુબ મોટા માધ્યમ હશે. ઉદ્યોગ હોય, વેપાર-કારોબાર, ખેડૂત-ગ્રાહકો દરેકને તેનો લાભ મળવાનો છે. ખાસ કરીને ઔદ્યોગિક રીતે પાછળ રહી ગયેલા પૂર્વ યુપીને આ ફ્રેટ કોરિડોર નવી ઉર્જા આપવાનો છે. જેનો લગભગ ૬૦ ટકા હિસ્સો યુપીમાં છે આથી યુપીના દરેક નાના મોટા ઉદ્યોગોને તેનો લાભ થશે.

અગાઉની સરકારો પર પ્રહારો કરતા પીએમ મોદીએ કહ્યું કે ૨૦૧૪ અગાઉ આ પ્રોજેક્ટ માટે જે પૈસા સ્વીકૃત થયા તે યોગ્ય રીતે ખર્ચ થઈ શક્યા નહી. ૨૦૧૪માં આ પ્રોજેક્ટ માટે ફરીથી ફાઈલોને ફંફોળાઈ. અધિકારીઓને નવી રીતે આગળ વધવાનું કહેવાયું તો બજેટ લગભગ ૪૫ ગણું વધી ગયું. અગાઉ ફોકસ ટ્રેનોની સંખ્યા પર રહેતું હતું જેથી કરીને ચૂંટણીમાં લાભ મળે. પરંતુ જે પાટાઓ પર આ ટ્રેનોને દોડાવવાની હતી તેના પર રોકાણ થતું નહતું.

કાર્યક્રમને સંબોધિત કરતા પીએમ મોદીએ કહ્યું કે કોરિડોરની શરૂઆત થયા બાદ દેશના ખેતરો સીધા બજારો સાથે જાેડાશે. તેમણે કહ્યું કે ગઈ કાલે જ દેશમાં ૧૦૦મી કિસાન રેલ શરૂ કરાઈ. કિસાન રેલથી આમ પણ ખેતી સંલગ્ન ઉપજને દેશભરના બજારોમાં સુરક્ષિત અને ઓછા ભાવે પહોંચાડવાનું શક્ય બન્યું છે. હવે કિસાન રેલ વધુ ઝડપથી પોતાના ગંતવ્ય પર પહોંચી શકશે.

પીએમ મોદીએ કહ્યું કે પ્રદર્શનો અને આંદોલન દરમિયાન દેશના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને નુકસાન પહોંચાડવું એ ખોટી વાત છે. તેમણે કહ્યું કે જે આપણે પ્રદર્શનો અને આંદોલનોમાં જાેઈએ છે. આ માનસિકતા દેશની સંપત્તિ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરને નુકસાન પહોંચાડવાની છે. આપણે યાદ રાખવું જાેઈએ કે આ સંપત્તિ કોઈ નેતા કે પક્ષની નથી, દેશની છે. સમાજના દરેક વર્ગનો તેમાં પરસેવો પડ્યો છે.