ગાંધીનગર-

સમગ્ર વિશ્વ કોરોનાની ચપેટમાં છે, ત્યારે ભારત દેશ માટે એક સારા સમાચાર સામે આવી રહ્યા છે. કોરોના વેક્સીન હવે લગભગ તૈયાર થઈ ગઈ છે. ત્યારે તેની વહેંચણી કઈ રીતે કરવી તે બાબતે રાજ્યના મુખ્ય પ્રધાન સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી રોડમેપ તૈયાર કર્યો છે. ત્યારે હવે ગુજરાતમાં વેક્સિન આપવાની તૈયારીઓ પણ શરૂ કરવામાં આવી છે. જેને લઇને 11 ડિસેમ્બરથી સમગ્ર રાજ્યમાં ડોર 2 ડોર સર્વે હાથ ધરવામાં આવશે. ભારત બાયોટેક દેશમાં કોરોના વૅક્સિનની ટ્રાયલ કરનારી ત્રીજી કંપની છે. અગાઉ ફાઇઝર અને સિરમ ઇન્સ્ટિટ્યૂટે પણ પોતાની કોરોના વૅક્સિનના ઇમર્જન્સી ઉપયોગ માટે મંજૂરી માગી છે.

ફાઇઝર, સિરમ ઇન્સ્ટિટ્યૂટ અને ભારત બાયોટેક દ્વારા ડેવલપ કરવામાં આવેલી કોરોના વૅક્સિનના ઇમર્જન્સી ઉપયોગને મંજૂરી આપવા સંદર્ભે બુધવારે વિચાર કરવામાં આવશે. સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઈન્ડિયાએ પોતાના કોરોના વૅક્સિન 'કૉવિશિલ્ડ'ના ઇમર્જન્સી ઉપયોગ માટે મંજૂરી માગી છે. પુણેની આ કંપનીએ પોતાની સ્વદેશી વૅક્સિનને લોકોના હિતમાં અને મેડિકલ આવશ્યક્તાઓને પૂરી પાડવાનો આધાર આપીને મંજૂરી આપવાનો આગ્રહ કર્યો છે.