વડોદરા : શહેરના ફતેગંજ પોલીસ મથકમાં થયેલી શેખ બાબુની હત્યાના મામલામાં પુત્રે હાઈકોર્ટમાં કરેલી હેબિયર્સ કોપર્સની આગામી સુનાવણી તા.૬એ થશે. જેમાં સીઆઈડીની તપાસ અંગે અસંતોષ વ્યક્ત કરી પુત્ર દ્વારા વકીલ ઈમ્તિયાઝ કુરેશી મારફત સીબીઆઈ અથવા સીટની તપાસની માગ કરશે. મહત્ત્વની વાત તો એ છે કે આખા મામલામાં પ્રારંભથી જ તપાસ કરી નિવેદન લેનાર એસીપી કક્ષાના અધિકારીનું હજુ સુધી સીઆઈડીએ નિવેદન જ નહીં લીધું હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. ૧૦ દિવસના રિમાન્ડ મેળવ્યા હોવા છતાં સીઆઈડી ક્રાઈમ બ્રાન્ચ છ આરોપીઓ પૈકી એક પાસેથી પણ શેખ બાબુના મૃતદેહને ક્યાં અને કેવી રીતે સગેવગે કરાયો એની કોઈ જ પ્રકારની જાણકારી મેળવી નહીં શકતાં મૃતક શેખબાબુના પરિવારે સીઆઈડી ક્રાઈમ બ્રાન્ચની તપાસ સામે નારાજગી વ્યક્ત કરી મારા પિતાના મૃતદેહ સાથે શું થયું એવું જાણવાનો પુત્ર તરીકે મારો અધિકાર હોવાનું જણાવી વકીલ મારફતે આ મામલામાં સીબીઆઈ કે સ્પેશિયલ ઈન્વેસ્ટિગેટીવ ટીમ (સીટ)ની રચનાની માગ અદાલત સમક્ષ કરી છે. 

અગાઉ હાઈકોર્ટે પણ સીબીઆઈની તપાસ અંગે અસંતોષ જાહેર કરી ઉચ્ચ અધિકારીનો ઉધડો લીધો હતો અને તપાસનો વિગતવાર અહેવાલ માગ્યા બાદ સીઆઈડી ક્રાઈમ બ્રાન્ચે બે વાર શહેર નજીકથી પસાર થતી નર્મદા કેનાલમાં, મહી કોતરોમાં અન્ય વિભાગોની મદદ મેળવી મૃતદેહની શોધખોળ હાથ ધરી હતી, પરંતુ કોઈ સફળતા મળી ન હતી.

બીજી તરફ આરોપીઓએ નાર્કોટેસ્ટ કે લાઈવડિટેક્ટર ટેસ્ટ આપવાનો ઈન્કાર કરી દીધો હોવાનું સીઆઈડીએ હાઈકોર્ટને જણાવ્યું છે ત્યારે હવે સવાલ એ ઊભો થાય છે કે શેખ બાબુનો મૃતદેહ ગયો ક્યાં? જાણકારોના જણાવ્યા પ્રમાણે સરકારી કર્મચારી દ્વારા આવા ટેસ્ટનો ઈન્કાર કરી શકાય નહીં તેમ છતાં કર્યો છે, તો અદાલત એની ગંભીર નોંધ લઈ આરોપીઓ તપાસમાં સહકાર આપવા તૈયાર નથી એમ માનશે એવું જાણવા મળ્યું છે.

જ્યારે આ કેસની પ્રથમ દિવસથી જ તપાસ કરતાં એસીબી લેવલના અધિકારીએ ઘટના સાથે સંકળાયેલા અનેક લોકોના નિવેદન લીધા હતા ત્યાર બાદ શેખ બાબુની હત્યા થઈ હોવાનું તારણ નીકળ્યું હતું તેમ છતાં સીઆઈડી ક્રાઈમ બ્રાન્ચ દ્વારા એ અધિકારીનું નિવેદન પણ નહીં લેવાયું હોવાનું કહેવાય છે. તપાસમાં આવી અનેક ત્રુટિઓ અંગે પુત્ર સલીમ દ્વારા હાઈકોર્ટનું ધ્યાન દોરી સીબીઆઈ તપાસની માગ કરશે એમ જાણવા મળ્યું છે જેનો ફેંસલો ૬ઠ્ઠી તારીખે આવશે.

---------------

‘’