લોકસત્તા વિશેષ : છેલ્લા દોઢ વર્ષથી વડોદરા શહેર ભાજપમાં ચાલી રહેલી આંતરીક જુથબંધીમાં વડોદરા શહેર પ્રમુખ ડો. વિજય શાહ અને મેયર કેયુર રોકડીયા વચ્ચેની અહમની લડાઈ તમામ હદ વટાવી હવે ચરમસીમાએ પહોંચી છે. આ બંનેના આંતરીક ઝગડાના કારણે શુક્રવારે વડોદરા આવેલા ભાજપના રાષ્ટ્રિય અધ્યક્ષની ઉપસ્થિતિમાં વધુ એક વખત વડોદરા ભાજપનો આંતરીક ઝગડો સપાટી પર આવતા શહેર ભાજપની આબરુ ધૂળધાણી થઈ હતી. અગાઉ વડોદરાના તમામ નેતાઓની હાજરી વચ્ચે જાહેરમાં પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે ડો. વિજય શાહ અને કેયુર રોકડીયાને ચેતવ્યા હતા. જાે બંને વ્યક્તિગત ઝગડાને બાજુ પર મુકી ભાજપના હિતને કેન્દ્ર સ્થાને રાખી કામગીરી નહીં કરે તો બંનેને ઘરભેગા કરવાની ગંભીર ચિમકી આપી હોવાની વાત ભાજપના નેતાઓ કહી રહ્યા છે. ત્યારે શુક્રવારે વૈષ્ણવાચાર્યના કાર્યક્રમમાં આવેલ રાષ્ટ્રીય પ્રમુખ અને પ્રદેશ પ્રમુખની હાજરીમાં પોતાની વ્યક્તિગત તાકાત બતાવવા માટે શહેર ભાજપ પ્રમુખે સ્વભાવગત ખેલ કરતા તેના જવાબમાં મેયરે પણ પોતાની વ્યક્તિગત તાકાત દેખાડી હતી. જેના કારણે વધુ એક વખત શહેર પ્રમુખ અને મેયર વચ્ચે ચાલી રહેલ યુધ્ધ જાહેરમાં દેખાયું હતું.

લોકસત્તા જનસત્તાને પ્રાપ્ત જાણકારી અનુસાર ગુજરાત રાજ્યના બજેટ સત્ર અગાઉ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સાથે વડોદરા શહેર ભાજપ સંગઠન, ધારાસભ્યો, સાંસદ અને કોર્પોરેશનના પદાધિકારીઓની સંયુક્ત બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં વડોદરા શહેરના હિત અને ભાજપના આયોજનની વાત કરવાના બદલે રજુઆતમાં ડો. વિજય શાહ અને મેયર કેયુર રોકડીયા વચ્ચેની લડાઈ સપાટી પર આવી હતી. ત્યારે આ બેઠકમાં ગંભીર રીતે પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે ડો. વિજય શાહ અને કેયુર રોકડીયાને ચેતવણી આપી હતી કે બંને એકબીજા સાથેની લડાઈ બંધ કરી પાર્ટીના આદેશ મુજબ કામે લાગી જાવ નહીં તો બંનેને ઘરભેગા કરી દેવામાં આવશે.

પ્રદેશ પ્રમુખની આ ચેતવણી પછી આ ઝગડો જાહેરમાં નહીં આવે તેમ લાગતું હતું પરંતુ શુક્રવારે વડોદરા આવેલા રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા, પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલના સ્વાગતમાં આ જુથબંધી અને ઝગડો ફરી સપાટી પર આવ્યો હતો. જેમાં બંને તરફે વ્યક્તિગત રીતે હોર્ડીંગ્સ ઉભા કરી એકબીજાને કાપવાના ખેલમાં ભાજપની આબરુ વધુ એકવાર ધૂળધાણી થઈ છે. એટલું જ નહીં સંગઠન કે મેયર દ્વારા ઉભા કરવામાં આવેલા હોર્ડિંગ્સમાં સ્થાનિક ધારાસભ્યો, સાંસદ કે કોર્પોરેશનના હોદ્દેદારોને પણ સ્થાન આપવામાં આવ્યું નહતું. જેની પણ ગંભીર ચર્ચાએ જાેર પકડ્યું છે.

વૈષ્ણવાચાર્યના આયોજનને ફિક્કું પાડવા માટે આખો ખેલ કોણે પાડ્યો?

મહાપ્રભુજીના પ્રાગટ્ય નિમીતે વડોદરા શહેરમાં વૈષ્ણવાચાર્ય વ્રજરાજકુમારજી આયોજીત ભવ્ય રેલીમાં ઉપસ્થિત રહેવા માટે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા અને પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલને બોલાવવામાં આવ્યા હતા. આ આયોજન ભાજપના સ્થાનિક નેતાઓની જાણ બહાર કરવામાં આવ્યું હતું. ત્યારે અગાઉ કારેલીબાગ હવેલીના વિવાદમાં પડદા પાછળથી વિવાદને આગ લગાડનાર શહેર ભાજપ પ્રમુખ ડો. વિજય શાહ આમ પણ વૈષ્ણવાચાર્ય વ્રજરાજકુમારજી વિરોધી કહેવાય છે. આ વિષયમાં પણ શહેર ભાજપ પ્રમુખની જાણ બહાર ભાજપના રાષ્ટ્રીય અને પ્રદેશ પ્રમુખને આમંત્રણ આપવામાં આવતા ડો. વિજય શાહના ઈશારે વૈષ્ણવાચાર્યના આયોજનને ફિક્કુ પાડવાનો ખેલ થયાનું કહેવાય છે. જેમાં એરપોર્ટથી ભવ્ય સ્વાગત કરાવી કાર્યકરોને વૈષ્ણવાચાર્યની રેલીથી દુર રાખવા માટે જે તે વિસ્તારમાં સ્વાગત કરવા માટે મોકલી દેવામાં આવ્યા હતા. જેના કારણે નવલખી ખાતે ઓછી હાજરી નજરે ચઢી હતી.

સંગઠનના હોર્ડિંગમાંથી પ્રદેશ મહામંત્રી ભાર્ગવ ભટ્ટ કેમ બાકાત?

ભાજપમાં સંગઠનની ભૂમિકાને અતિ મહત્વની માનવામાં આવે છે. ત્યારે વડોદરા શહેરના જ અને હાલ ભાજપના પ્રદેશ મહામંત્રી સાથે વડોદરા શહેર અને જીલ્લાનો પ્રભાર ધરાવતા ભાર્ગવ ભટ્ટ સંગઠનના તમામ હોર્ડિંગ્સમાં હોય તે સ્વભાવિક છે. પરંતુ શહેર ભાજપ પ્રમુખ ડો. વિજય શાહ પ્રદેશ ભાજપના અન્ય નેતાઓના ઈશારે કાર્ય કરતા હોવાનું અને તેઓ ભાર્ગવ ભટ્ટ વિરોધી જુથના ગણાય છે. તેમાં પણ ભાર્ગવ ભટ્ટ અને મેયર કેયુર રોકડીયાની નિકટતાના કારણે ડો. વિજય શાહ તેઓને પોતાના ગણી શકતા નથી. ત્યારે ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અને પ્રદેશ પ્રમુખના સ્વાગતના ભવ્ય કાર્યક્રમના હોર્ડીંગ્સમાં ભાર્ગવ ભટ્ટનું સ્થાન સંગઠનના હોર્ડીંગ્સમાં જ હોય તેમ છતાં તેઓની બાદબાકી કરી ડો. વિજય શાહે પ્રદેશ મહામંત્રીને પણ પડકાર ફેંક્યો હોવાનું કહેવાય છે.

અગાઉ રાજેન્દ્ર ત્રિવેદીએ સંગઠનની આવી પ્રવૃત્તિની ફરિયાદ કરી હતી

હોર્ડીંગ્સ વિવાદ અને ડો. વિજય શાહને જુનો નાતો છે. અગાઉ ભાજપના શહેર પ્રમુખ તરીકે ભરત ડાંગર હતા ત્યારે ડો. વિજય શાહ ખૂણામાં ધકેલાયેલા કાર્યકર હતા. તે સમયે પણ તેઓએ ભરત ડાંગર વિરુધ્ધ હોર્ડીંગ યુધ્ધ શરુ કર્યું હતું. ત્યાર બાદ અકોટાના પૂર્વ ધારાસભ્ય અને રાજ્ય સરકારના મંત્રી સૌરભ પટેલની સામે પણ આયાતી તરીકેનું હોર્ડીંગ યુધ્ધ કરેલું હતું. ત્યાર બાદ ડો. વિજય શાહ શહેર પ્રમુખ થયા અને રાવપુરાના ધારાસભ્ય રાજેન્દ્ર ત્રિવેદીના નામ અને તસવીરની હોર્ડીંગમાંથી બાદબાકી કરી હતી. ત્યારે પણ રાજેન્દ્ર ત્રિવેદીએ ડો. વિજય શાહના આવા વર્તન અંગે પ્રદેશ નેતાગીરીને ફરિયાદ કરતા તે સમયે વિવાદ થયો હતો.