વડોદરા : પારુલ યુનિવર્સિટીના સ્થાપક ડો. જયેશ પટેલના મોતના એક મહિના બાદ પણ વિવાદમાં ફરી સપડાયા છે. હોમિયોપેથી ડોક્ટર તરીકે કારકિર્દીની શરૂઆતમાં જ ૧૫૦ રૂપિયામાં ગર્ભપાતથી વિવાદમાં સપડાયા બાદ પારુલ યુનિ.ની સ્થાપનામાં જમીનોના વિવાદથી માંડી ચૂંટણીઓ અને અંતે બળાત્કાર કેસમાં સપડાતાં જયેશ પટેલ જેલમાં હતા, ત્યાં પણ સતત વિવાદો બાદ વારંવાર સયાજી હોસ્પિટલમાં દાખલ થવું, ગેરકાયદેસર પ્રવૃત્તિથી માંડી મોતના ખરા સમયને લઈને વિવાદ તો હતો જ, ત્યાં એક ન્યૂઝ પોર્ટલ દ્વારા ડો. જયેશ પટેલનું મોત થયું કે ભગાડી દેવાયા અંગે સીઆઈડીએ તપાસ શરૂ કરી એવા અહેવાલના પગલે ચકચાર જાગી છે. 

‘મેરા’ ન્યૂઝ નામના વેબપોર્ટલ ઉપર ઈન્વેસ્ટિગેટિવ જર્નાલિઝમમાં રાજ્યમાં ટોચનું સ્થાન ધરાવતા પ્રશાંત દયાળે વડોદરાની પારુલ યુનિ.ના ડો. જયેશ પટેલનું કોરોનાને કારણે ખરેખર મોત થયું કે ભગાડી દેવાયા? સીઆઈડીએ શરૂ કરી તપાસ એવા મથાળા સાથે લખેલા અહેવાલને કારણે ભારે ચકચાર જાગી છે અને ડો. જયેશ પટેલના મોત બાદ એની સાથે સંકળાયેલા વિવાદોનો અંત આવશે એવી ધારણા ખોટી પડી છે અને ફિલ્મી પ્લોટની જેવો મોટો વિવાદ ઊભો થયો છે. ‘મેરા’ ન્યૂઝના અહેવાલમાં ડો. જયેશ પટેલને સજાથી બચવા માટે મૃત જાહેર કરી અન્ય વ્યક્તિના મૃતદેહની અંતિમક્રિયા કરી દેવાઈ હોવાની માહિતી રાજ્યના સીઆઈડી ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ પાસે આવી હોવાનું જણાવ્યું છે. ત્યારે ‘લોકસત્તા-જનસત્તા’એ પણ અગાઉ ડો. જયેશ પટેલના મોતના સમય અંગે સવાલો ઉઠાવ્યા જ હતા. હવે આ મામલાની વધુ તપાસ ‘લોકસત્તા-જનસત્તા’એ કરતાં અનેક સવાલો ઊભા થયા છે જેમાં શંકા વધુ મજબૂત થાય એવા સવાલો ઊભા થયા છે.આ સવાલોની જાે ઊંડાણપૂર્વક તપાસ થાય તો ચોંકાવનારી માહિતી બહાર આવી શકે એમ છે અને ડો. જયેશ પટેલના પરિવારજનો, જેલ વિભાગ, સયાજી હોસ્પિટલ અને અમદાવાદ સિવિલ હોસ્પિટલના સંચાલકો સાણસામાં આવે એવી શક્યતાઓ ઊભી થઈ છે. ગત રપમી ઓગસ્ટે ડો. જયેશ પટેલના સત્તાવાર મૃત્યુની જાહેરાત થઈ હતી, એના બે દિવસ પહેલાંથી જ એમના મોતના મેસેજ સોશિયલ મીડિયા ઉપર ફરતા થયા હતા, પરંતુ પરિવારજનો એને નકારી રહ્યા હતા. બાદમાં પારુલ યુનિ.ના કેમ્પસમાં જ પરિવારજનો સ્ટાફ અને વિદ્યાર્થીઓની હાજરીમાં ડો. જયેશ પટેલના મૃતદેહના અંતિમસંસ્કાર થયા હતા. પરંતુ એની આગલી રાત્રે પારુલ યુનિ.ની મુખ્ય કચેરી સહિત બીજા અનેક વિભાગની ઓફિસો આખી રાત ચાલુ રહી હતી અને કર્મચારીઓને ફરજિયાત હાજર રાખવામાં આવ્યા હતા. આનાથી સવાલ એ ઊભો થાય છે કે એ રાત્રે પારુલ યુનિ.ની ઓફિસોમાં એવી તે કઈ ભેદી પ્રવૃત્તિ કરવામાં આવી જેમાં કર્મચારીઓને ફરજિયાત હાજર રાખવામાં આવ્યા? એ ઉપરાંત જેલમાંથી વારંવાર સયાજી હોસ્પિટલમાં દાખલ થવું, અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ થવા ઉપરાંત બીજા અનેક સવાલો ડો. જયેશ પટેલના રહસ્યમય મોત સાથે સંકળાયેલા છે. 

સયાજીમાં સુવિધા હોવા છતાં અમદાવાદ સિવિલમાં ડાયાલિસીસ માટે રહસ્યમય સંજાેગોમાં ખસેડાયા

વડોદરા. એક યા બીજા બહાને જેલમાંથી વારંવાર સયાજી હોસ્પિટલમાં દાખલ થનાર ડો. જયેશ પટેલને છેલ્લે તા.૭મી ઓગસ્ટે જેલમાંથી સયાજી હોસ્પિટલ ખાતે ઓર્થોપેડિક વિભાગમાં ઘૂંટણમાં પાણી ભરાઈ જવાની ફરિયાદ સાથે દાખલ કરાયા હતા. બાદમાં ડાયાલિસીસના અભાવે રક્તમાં પ્રોબ્લેમ દેખાતાં સયાજી હોસ્પિટલ ખાતે હીમોડાયાલિસીસની સુવિધ હોવા છતાં અમદાવાદ સિવિલમાં ડાયાલિસીસ માટે રહસ્યમય સંજાેગોમાં ખસેડાયા હતા. સયાજી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડેન્ટ રંજન ઐયરે અત્રેની સયાજી હોસ્પિટલમાં હીમોડાયાલિસીસની સુવિધા ઉપલબ્ધ હોવાનું સત્તાવાર રીતે જણાવ્યું છે.

ડો. જયેશ પટેલના મોત છતાં આ ટ્રાયલ ચાલુ જ રહેશે

વડોદરા. બળાત્કારના આરોપી ડો. જયેશ પટેલનો કોર્ટમાં ટ્રાયલ હતો અને આજ મામલાની બીજી મહિલા આરોપી હજી જીવિત હોવાથી ડો. જયેશ પટેલના મોત છતાં આ ટ્રાયલ ચાલુ જ રહેશે એમ કાયદાના જાણકારોએ જણાવ્યું છે. આ ટ્રાયલ ચાલુ છે અને એમાં ડો. જયેશ પટેલે શંુ કૃત્ય કર્યું હતું એની અને હોસ્ટેલની મહિલા રેક્ટરની શું ભૂમિકા હતી એ સ્પષ્ટ થશે, જેની ડો. જયેશ પટેલના કારનામાઓની જાણ સમાજને તો થાય એ જરૂરી હોવાનું જાણકારોએ ઉમેર્યું છે.