વડોદરા : વડોદરામાં સરકારી તેમજ ખાનગી હોસ્પિટલો મળીને ૧૬૦ મેટ્રિક ટન જેટલા ઓક્સિજની હાલ જરૂરિયાત છે પરંતુ કોવિડના બેડની સંખ્યાની સાથે ઓક્સિજનની જરૂરિયાતવાળા દર્દીઓની સંખ્યા વધી રહી છે. ત્યારે ઓક્સિજનની જરૂરિયાત વધે તેવી શક્યતા વચ્ચે કટોકટી સર્જાય તેવી ભીતિ વ્યક્ત કરાઈ રહી છે. હાલ સરકારી ૧૨ હોસ્પિટલોમાં ૯૨ મેટ્રિક ટન ખાનગી મોટી હોસ્પિટલોમાં પ૮ ટન તેમજ નાની હોસ્પિટલોમાં ઓક્સિજનનો ઉપયોગ મળીને ૧૫૦થી ૧૫૫ ટન જેટલો વપરાશ રોજ થતો હોવાનું જાણવા મળે છે. ત્યારે હાલ પૂરતો જથ્થો પર્યાપ્ત માત્રામાં મળે છે તેમ કહેવાય છે. પરંતુ કેટલીક વખત સપ્લાય થવામાં વિલંબ થાય તેવા સમયે મુશ્કેલી સર્જાઈ શકે, પરંતુ ઓક્સિજનની અછત છે તેથી ૧૬૪ હોસ્પિટલોને સપ્લાય બંધ કરવાના નિર્ણયને લઈને આ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ૧૬૦૦ જેટલા દર્દીઓના જીવ જાેખમમાં મુકતો પરિપત્ર મુલત્વી રાખવામાં આવ્યો છે. જાે કે, આ હોસ્પિટલોમાંથી દર્દીઓને સ્થળાંતર કરવા પડત તો વધુ મુશ્કેલી સર્જાત તેવી શક્યતા સાથે ઓક્સિજનની અછત ઊભી કરતું ચિત્ર શું બ્લેક મેઈલિંગ છે? તેવી ચર્ચા શરૂ થઈ છે.

સાવલી, ડભોઈ અને કરજણના ધારાસભ્યોએ લૉકડાઉનની માગ કરી

વડોદરા. વડોદરાના ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનના કેસોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે ત્યારે સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારે પત્રમાં એમ પણ જણાવ્યું હતું કે, ગત વર્ષે કોરોનાને કારણે સામાજિક પ્રસંગો કર્યા ન હતા. જેના કારણે હાલમાં ખૂબ સામાજિક પ્રસંગો છે જેથી લોકોની અવરજવર ખૂબ રહે છે જેથી સંક્રમણનો ભય રહે છે. લૉકડાઉન અથવા તેના અનુરૂપ કોઈ નિર્ણય લેવો જરૂરી છે. ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા અને કરજણના ધારાસભ્ય અક્ષય પટેલે પણ કોરોના મહામારીની ચેઈન તોડવા માટે લૉકડાઉનનો મત વ્યક્ત કર્યો હતો.

ઓએસડી ડો. રાવે ચૂંટાયેલી પાંખને વિશ્વાસમાં કેમ ના લીધી!

વડોદરા. ઓક્સિજનની કટોકટીની ભીતિ વચ્ચે ખાસ ફરજ પરના અધિકારી ડો. રાવે ઓક્સિજનનો ઉપયોગ ૧૦ થી ૧૫ ટકા ઘટાડવાની સૂચના સાથે શહેર-જિલ્લાની કોવિડની સારવાર આપતી ૧૬૪ હોસ્પિટલને ઓક્સિજનનો પુરવઠો નહીં આપવાના પરિપત્રને લઈને વિવાદ સર્જાયો હતો. ત્યારે આ નિર્ણય પૂર્વે ઓએસડી ડો રાવે ચૂંટાયેલી પાંખને વિશ્વાસમાં કેમ ના લીધી તેવી ચર્ચાઓ થઈ રહી છે.

સાવલીના ધારાસભ્ય સાથે સીએમએ વાત કરી પરિપત્ર રદ કરવાની ખાતરી આપી

વડોદરા. શહેર-જિલ્લાની ૧૬૪ હોસ્પિટલને ઓક્સિજન નહીં આપવાના પરિપત્રને લઈને સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારે આક્રમક સ્ટેન્ડ લઈને મુખ્યમંત્રીને આ મુદ્‌ે રજૂઆત કરી હતી. જાે કે, મુખ્યમંત્રીએ ધારાસભ્ય કેતન ઈનામદાર સાથે ટેલિફોનિક વાતચીત કરીને પરિપત્ર રદ કરવાની ખાતરી આપી હોવાનું જાણવા મળે છે.

જિલ્લાના ધારાસભ્યોના આક્રમક વલણ પારખી અચાનક બેઠક ગોઠવાઈ

વડોદરા. સાવલીના ધારાસભ્યએ ઓક્સિજન તેમજ અન્ય મુદ્‌ે આક્રમક સ્ટેન્ડ બાદ ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા અને કરજણના ધારાસભ્ય અક્ષય પટેલે પણ આ મુદ્‌ાને લઈને આક્રમક સ્ટેન્ડ લીધું હતું જેને લઈને જિલ્લાના ધારાસભ્યોના આ આક્રમક વલણને પારખી અચાનક કલેકટર કચેરીના ધારાસભા હોલમાં આ બેઠક ગોઠવાઈ હોવાનું જાણવા મળે છે.

ઓક્સિજની કમી થવા નહીં દેવાય, સીએમ અને કેન્દ્રીય મંત્રીઓની સાંસદ રંજનબેનને ખાતરી

વડોદરા. વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ, કેન્દ્રિય મંત્રી પુરુષોત્તમ રૂપાલા અને મનસુખ માંડવિયા તેમજ મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી અને ઓક્સિજનની જરૂરિયાત સંદર્ભે ચર્ચા કરી હતી. જાે કે, કેન્દ્રના વરિષ્ઠ મંત્રીઓ તેમજ મુખ્યમંત્રી રૂપાણીએ વડોદરાને ઓક્સિજનના સપ્લાયની કોઈ કમી થવા નહીં દેવાય તેવી ખાતરી આપી હતી.

ડો. રાવ અને આરોગ્ય સચિવ જયંતી રવિ વચ્ચેના કોલ્ડવોરની સજા વડોદરાને?

વડોદરા શહેર-જિલ્લામાં કલેકટર અને મ્યુનિ. કમિશનર તરીકે ફરજ બજાવી ચૂકેલા ડો. વિનોદ રાવને કોરોના પ્રારંભકાળે રાજ્ય સરકારે ઓએસડી તરીકે નિયુક્ત કર્યા છે. કોરોનાની સારવાર સુવિધાઓ અને નવી કોવિડ સેન્ટરો બનાવી સફળ સંચાલનની વાહ-વાહી કરાવતા તેઓ ક્યાંક ને ક્યાંક નિષ્ફળ રહ્યા છે. કોરોનાની આંકડાકીય રમતમાં સફળ રહ્યા છે. ત્યારે રાજ્યની ઉચ્ચ કક્ષાએ ડો. રાવ અને આરોગ્ય વિભાગના મુખ્ય સચિવ જયંતી રવિ સાથે કોલ્ડવોર ચાલી રહ્યાની રાજકીય નેતાઓમાં ચર્ચાઈ રહ્યું છે. આ મતભેદોના કારણે શહેરના દર્દીઓને સહન કરવાનો વારો આવ્યો છે. ડો. રાવ તેમના અહમ્‌ને ઓગાળી નિખાલસ અને નિઃસ્વાર્થપણે ફરજ બજાવી જાેઈએ એમ આલા રાજકીય નેતાઓમાં ચર્ચાનો વિષય બન્યો છે. હાલના તબક્કે પાડાને વાંકે પખાલીને ડામ દેવા જેવી સ્થિતિને કારણે શહેરના નગરજનો અને કોરોનાના દર્દીઓની થઈ છે.