વડોદરા : કોર્પોરેશનમાં આગામી અઢી વર્ષ માટે જાહેર કરાયેલા હોદ્દેદારોના નામોમાં સંગઠન લઈને નિકળેલા તેવા તમામ દાવેદારોનો ગરબો ઘરે ગયો હતો. ભાજપની પ્રદેશ નેતાગીરીએ મેયર, ડે. મેયર અને સ્થાયી સમિતિ અધ્યક્ષના જાહેર કરેલા નામોમાં સંગઠન લઈને ચાલ્યું હોય તેવું એક પણ નામ નહીં આવતા શહેર ભાજપ પ્રમુખ ડો. વિજય શાહની આગેવાનીમાં શહેર ભાજપ સંગઠન ભોંગ ભેગું થયું હતું. ખાસ કરીને પાલિકામાં રબર સ્ટેમ્પ હોદ્દેદાર મુકી બેક સીટ ડ્રાઈવીંગ કરવાનો મનસુબો રાખનાર સંગઠનના કેટલાક નેતાઓને નિરાસ થવાનો વારો આવ્યો હતો.

શહેર ભાજપ સંગઠન દ્વારા મેયર તરીકે કારેલીબાગના કોર્પોરેટર મનોજ પટેલ (મંછા)નું નામ આગળ કરી તેઓની નિંમણૂક માટે એડી ચોટીનું જાેર લગાડવામાં આવ્યું હતું. તેજ રીતે સંગઠન તરફથી ડે. મેયર પદ માટે હેમીશા ઠક્કરનું નામ તો સ્થાયી સમિતિ અધ્યક્ષ તરીકે ચિરાગ બારોટનું નામ મુકવામાં આવ્યું હતું. આ સાથે નેતા પદ માટે નિલેશ રાઠોડનું નામ રજુ કરવામાં આવ્યું હતું.

શહેર ભાજપ પ્રમુખ ડો. વિજય શાહ અને ૩ મહામંત્રી પૈકીના સુનિલ સોલંકી દ્વારા આ નામો માટે તમામ તાકાત કામે લગાડી દેવામાં આવી હતી. જે માટે શહેર વાડી વિધાનસભાના ઘારાસભ્ય મનીષા વકીલ, માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલ અને અકોટાના ઘારાસભ્ય સીમાબેન મોહીલે સાથે ગોઠવણ કરી ખેલ પાર પાડવાનો કારસો રચાયો હતો. આ કારસા સામે રાવપુરાના ઘારાસભ્ય રાજેન્દ્ર ત્રિવેદી અને સયાજીગંજના ઘારાસભ્ય જીતુભાઈ સુખડીયાએ અલગ ચોકો રચી નવો તખ્તો ઘડ્યો હતો. જેમાં સંઘ પરિવારનો સાથ લઈ સંગઠનની ગોઠવણ ઉંધી પાડી હોવાનું કહેવાય છે. ત્યારે આજે ભાજપની પ્રદેશ નેતાગીરીએ જાહેર કરેલા નામોના કારણે ડો. વિજય શાહની આગેવાનીમાં શહેર ભાજપ સંગઠન ભોંય ભેગું થયું હોવાનું રાજકીય વર્તુળમાં ચર્ચાઈ રહ્યું હતું.

• લારીગલ્લાના દબાણ મુક્ત રાજમાર્ગો

• રખડતી ગાયો મુક્ત રસ્તા

• વિશ્વામિત્રીની પુરની સમસ્યાનું કાયમી સમાધાન

• શહેરમાં પાર્કિંગનું યોગ્ય આયોજન

• વારંવાર તુટતા રસ્તાઓ માટે નક્કર યોજના

• દરેક વિસ્તારને શાક માર્કેટ

• દરેક વિસ્તારમાં આરોગ્યની સુવિધા

• બજેટમાં શુભ પ્રસંગ યોજવા આધુનિક સુવિધા સાથેના અતિથિગૃહ

• ઉભરાતી ડ્રેનેજ નળિકાઓ માટે લાંબા ગાળાનું આયોજન

• મચ્છરના અસહ્ય ત્રાસમાંથી મુક્તિ

• દરેક વિસ્તારને આવરી લેતી શહેરી બસ સુવિધા

• શહેરના વિકાસને ધ્યાનમાં રાખી મેટ્રો ટ્રેન સુવિધા

• શહેરના બગીચાઓની જાળવણી

• ભ્રષ્ટાચાર મુક્ત શાસન

• ઝુપડપટ્ટી મુક્ત શહેર

• ડોર ટુ ડોર કચરા નિકાલનું આયોજન

• રખડતા કુતરાના નિકાલનું આયોજન

• આરોગ્ય પ્રદ ખોરાક મળે તે માટે યોગ્ય ચકાસણી

• કોર્પોરેશનની આવકના નવા સ્ત્રોત ઉભા કરવા

• યુવાનો માટે ફ્રી વાઈફાઈ એન્ડ એન્ટરટેઈટમેન્ટ ઝોન

• પીવાનું શુધ્ધ પાણી ૨૪ કલાક મળી રહે

• શહેરના રાજમાર્ગો પર આધુનિક ટ્રાફિક સિસ્ટમ તથા લાઈનિંગ સાથેનું આયોજન

મનોજ પટેલને સુનીલ સોલંકી નડી ગયા?

શહેર ભાજપમાં ચાલતી જુથબંધીમાં બહુમતી જુથ જુના જાેગી એવા સુનિલ સોલંકી અને તેમના જૂથથી નારાજ રહેતું જાેવા મળ્યું છે. સુનિલ સોલંકીના મેયર તરીકે કાર્યકાળ બાદ તેઓ સામે અનેક વિવાદો ઉભા થયા હતા. ત્યાર બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતમાં હતા ત્યાં સુધી સુનિલ સોલંકી કે તેના ટેકેદારને કોઈ મહત્વનું સ્થાન મળતું નહતું. આજ કારણથી ૨૦૧૫ની ચૂંટણીમાં મનોજ પટેલની ટીકીટ કપાઈ હતી. પરંતું હાલ શહેર ભાજપમાં આવેલા પરિવર્તન બાદ સુનિલ સોલંકીને સ્થાનિક નેતાઓની નારાજગી વચ્ચે મહામંત્રી બનાવવામાં આવ્યા હતા. આ વખતે વડોદરાના મેયર તરીકે મનોજ પટેલને બેસાડવા માટે સુનિલ સોલંકીએ પણ મથામણ કરી હતી. પરંતું મનોજ પટેલને વધુ એક વખત સુનિલ સોલંકીના ટેકેદાર તરીકેની છાપ નડી ગઈ હોવાનું ભાજપના આંતરિક વર્તુળમાં ચર્ચાઈ રહ્યું હતું.