વડોદરા,તા. ૨૯ 

સયાજી હોસ્પિટલમાં જુલાઈ મહિનાની શરૂઆતમાં ઓક્સિજનની વધઘટ થવાના કારણે સંખ્યાબંધ કોરોના દર્દીઓના મોત નિપજ્યા હતા. આ અંગે સૌપ્રથમ લોકસત્તા જનસત્તાએ અહેવાલ છાપ્યો હતો. જેને હોસ્પિટલ દ્વારા બનાવવામાં આવેલી કમિટીએ ખોટો ઠેરવ્યો હતો. જોકે, ત્યારબાદ પણ એસએસજીમાં કોરોનાનાં દર્દીઓની સારવારમાં તેમજ વહીવટમાં ગંભીર બેદરકારીઓ સામે આવતા આજરોજ મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીને શહેરના નેતાઓ દ્વારા પણ ગંભીર ફરિયાદો કરવામાં આવી હતી. જેને પગલે તાત્કાલિક ધોરણે ડાૅ.રાજીવ દેવેશ્વરની હિંમતનગર જી.એમ.ઈ.આર.એસ હોસ્પિટલ ખાતે બદલી કરી દેવામાં આવી છે.

જુલાઈ મહિનાની શરૂઆતમાં સયાજી હોસ્પિટલમાં કોરોણાની સારવાર મેળવી રહેલા સંખ્યાબંધ દર્દીઓના વોર્ડમાં ઓક્સિજન વધઘટ થવાને કારણે મોત નિપજ્યા હોવાનો અહેવાલ લોકસત્તા જનસત્તામાં પ્રકાશિત થયો હતો. આ અહેવાલને પગલે વડોદરામાં કોરોના માટે નિમાયેલા ઓએસડી ડાૅ.વિનોદ રાવે તપાસના આદેશ આપતા સયાજી હોસ્પિટલ દ્વારા એક કમિટી બનાવીને તેની તપાસ કરવામાં આવી હતી. હોસ્પિટલ દ્વારા બનાવવામાં આવેલી કમિટી દ્વારા અહેવાલને ખોટો ઠેરવીને હોસ્પિટલમાં સબ સલામત હોવાનો રિપોર્ટ જમા કરાવ્યો હતો. જોકે, તે રિપોર્ટને ‘પ્રાઈમરી રિપોર્ટ’ માનીને ઓએસડી ડાૅ.રાવે ડાૅ. મીનુ પટેલને સલાહકાર તેમજ વુડાના અધિકારી અશોક પટેલની એડમિનિસ્ટ્રેટર તરીકે નિમણુંક કરીને વધુ તપાસ કરવા કહ્યું હતું.

તેઓ દ્વારા કરવામાં આવેલી તપાસમાં હોસ્પિટલમાં ઓક્સિજનના પૂરતા પોઇન્ટ ન હોવા સહીત ઘણીબધી ગંભીર ક્ષતિઓ જોવા મળી હતી. જેના પરથી હોસ્પિટલના સૌથી ઉચ્ચ હોદ્દા પર ફરજ બજાવતા સુપ્રિટેન્ડન્ટ ડાૅ.રાજીવ દેવેશ્વર કોરોનાના કપરા સમયે જ પોતાની ફરજ ચુકી ગયા હોવાનું અને તેઓ દ્વારા કામમાં કોઈ જ પ્રકારનો રસ દાખવવામાં આવતો ન હોવાનું સાબિત થતો હતો. જેથી ગત ગુરુવારના રોજ ઓએસડી ડાૅ.રાવે સુપ્રિટેન્ડન્ટ ડાૅ. દેવેશ્વરને શોકોઝ નોટિસ આપીને તેમની સામે એપેડેમિક એક્ટ અંતર્ગત પગલાં શા માટે ન લેવામાં આવે તેનો જવાબ માંગ્યો હતો.

જવાબ આપવાના એક દિવસ અગાઉ જ મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી તેમજ આરોગ્ય સચિવે વડોદરામાં કોરોનાની પરિસ્થિતિની સમીક્ષા માટે મુલાકાત લીધી હતી. જેમાં ધારાસભ્યો તેમજ સાંસદ દ્વારા સયાજી હોસ્પિટલના રેઢિયાળ તંત્ર અને ડાૅ.રાજીવ દેવેશ્વરના વહીવટી કામગીરી અંગે ગંભીર ફરિયાદો કરી હતી. આ ફરિયાદોને પગલે આજે મોડીરાત્રે ડાૅ.રાજીવ દેવેશ્વરની તાત્કાલિક ધોરણે હિંમતનગર જી.એમ.ઈ.આર.એસ હોસ્પિટલ ખાતે બદલી કરવામાં આવી હતી અને તેમના સ્થાને બરોડા મેડિકલ કોલેજના ઈ.એન.ટી વિભાગના વડા ડાૅ.રંજન ઐયરને સયાજી હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટનો ચાર્જ સોંપાયો હતો.