વડગામ : વડગામ તાલુકામાં પડેલા વરસાદથી તાલુકાના અનેક ગામડાઓના રસ્તાઓની સાઇડો તેમજ રોડનું ભારે ધોવાણ થતાં રોડ પરથી પસાર થતા અનેક વાહનચાલકો તેમજ આમજનતાની પરેશાનીઓમાં વધારો થયો છે. એમાંય વડગામ તાલુકાના ધોતા ગામથી વરવાડીયા ગામ જવાનો રસ્તો અંદાજે એક વર્ષ અગાઉ બનાવાયો હતો જે રોડ વરસાદમાં ધોવાઇ જતાં કોન્ટ્રાકટર અને માર્ગ મકાન વિભાગના કર્મચારીઓની ભાગ બટાઇમા કરાયેલા રોડના તકલાદી કામનો પોલ વરસાદમાં જ ખુલ્લી પડી ગઇ છે. કોન્ટ્રાકટર દ્વારા આચરવામાં આવેલા ભ્રષ્ટાચારના ગાબડાં ખુલ્લા પડી ગયાં છે.ધોતાથી વરવાડીયા સુધીના રોડ ઉપર ખાડા પડી જતાં આ રોડ પરથી સવાર સાંજ પસાર થતા વાહનચાલકો તેમજ આમજનતા ત્રાહિમામ પોકારી ઉઠી છે. વાહનમાં બેઠેલા લોકો વગર ઢોલે ડીસ્કો કરતા હોય તેવો અહેસાસ લોકોને થતાં રહયો છે.વહીવટી તંત્રના જવાબદાર અધિકારીઓ દ્વારા આ રોડ ઉપર પડેલા ભ્રષ્ટાચારના ગાબડાં પુરાવીને લોકોની સમસ્યાઓ હલ કરવામાં આવે તેવું આ વિસ્તારના લોકો ઇચ્છી રહ્યા છે.