મુંબઇ

સુશાંત સિંહ રાજપૂતના મોત બાદ ડ્રગ્સ એંગલ સામે આવ્યો છે અને ત્યારથી નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB) આ કેસની તપાસ કરે છે. થોડાં સમય પહેલા જ અર્જુન રામપાલની લિવ ઈન પાર્ટનર ગેબ્રિએલાના ભાઈ અગિસિલાઓસ તથા ડિરેક્ટર સાહિલ કોહલીની પૂછપરછમાં એક એક્ટરનું નામ સામે આવ્યું છે. NCBએ એક્ટરની ધરપકડ કરવા માટે સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે.

NCBના રડાર પર આ એક્ટર છે. તેણે ડ્રગ્સની ખરીદી તથા ડ્રગ્સ લીધું હોવાનું માનવામાં આવે છે. NCBના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, એક્ટરને એજન્સીએ સમન્સ પાઠવી દીધું છે. જોકે, NCBએ હજી સુધી તે એક્ટરના નામની ચોખવટ કરી નથી. NCBના અધિકારીઓ મુંબઈના રહેણાંક વિસ્તારમાં સર્ચ ઓપરેશન કરી રહ્યા છે. NCBના અધિકારીઓ સુશાંત સિંહ રાજપૂત કેસ હેઠળ આની તપાસ કરી રહ્યા છે. આ કેસમાં રિયા ચક્રવર્તીને મુખ્ય આરોપી બનાવવામાં આવી છે.

ડ્રગ્સ કેસમાં થોડાં દિવસ પહેલા અર્જુન રામપાલની લિવ ઈન પાર્ટનર ગેબ્રિએલાના 30 વર્ષીય ભાઈ અગિસિલાઓસની NCBએ ધરપકડ કરી હતી. તે હજી પણ NCBની કસ્ટડીમાં છે. તેની પર અનેક ડ્રગ્સ પેડલર્સ સાથે સંબંધો હોવાનો આક્ષેપ છે. NCBને શંકા છે કે અગિસિલાઓસ ડ્રગ્સ ચેન ચલાવતો હતો અને તે હેઠળ તે સિન્થેટિક ડ્રગ્સને સાઉથ ઈસ્ટ એશિયા તથા આફ્રિકામાં ઓપરેટ કરતાં લોકોને એક્સપોર્ટ કરતો હતો.

ઉલ્લેખનીય છે કે અગિસિલાઓસ મૂળ આફ્રિકાનો છે. NCBના અધિકારીઓને અગિસિલાઓસ પાસેથી હશીષ તથા એલ્પ્રાઝોલમની ટેબ્લેટ્સ મળી આવી હતી. થોડાં દિવસો પહેલા જ NCBએ પ્રોડક્શન હાઉસના કેટલાંક ફિલ્મ ડિરેક્ટર્સ તથા અધિકારીઓને સમન્સ મોકલ્યું હતું.બોલિવૂડમાં ડ્રગ્સ એંગલની તપાસમાં NCBએ દીપિકા પાદુકોણ, સારા અલી ખાન, રકુલપ્રીત સિંહ, શ્રદ્ધા કપૂરની પૂછપરછ કરી હતી.