ન્યૂ દિલ્હી

આઇપીએલ ૨૦૨૧ નાં મુલતવી રાખ્યા બાદ મોટાભાગનાં વિદેશી ખેલાડીઓ અને સભ્યો સ્વદેશ પરત ફર્યા છે. ઓસ્ટ્રેલિયાનાં ક્રિકેટર્સ, કોમેંટેટર્સ અને અન્ય સભ્યો હાલમાં માલદીવમાં રોકાયા છે. ભારતમાં કોરોના રોગચાળાની બીજી લહેરનાં કારણે ઓસ્ટ્રેલિયાએ ભારતથી મુસાફરી પર પ્રતિબંધ મૂક્યો છે. દરમિયાન શનિવારે સમાચાર આવ્યા હતા કે ડેવિડ વોર્નર અને માઇકલ સ્લેટર વચ્ચે ઝઘડો થયો હતો અને આ મામલો મારામારી સુધી પહોંચી ગયો છે. 

ઓસ્ટ્રેલિયન ટીમ હાલમાં માલદીવનાં તાજ કોરલ રિસોર્ટમાં રોકાઈ રહી છે. ઓસ્ટ્રેલિયાનાં મીડિયા હાઉસ ડેલી ટેલિગ્રાફે અહેવાલ આપ્યો હતો કે માલદીવની એક હોટલમાં બંને વચ્ચે ઘર્ષણ થયું હતું. વોર્નર અને સ્લેટર લાંબા સમયથી મિત્રો છે. રિપોર્ટમાં જણાવાયું છે કે કોઈ બાબતને લઇને બંને વચ્ચે મતભેદ હતા. આ મામલે બંનેમાં ચર્ચા થઈ હતી અને તે બાદમાં ઘર્ષણમાં ફેરવાઈ ગઈ હતી. જો કે વોર્નર અને સ્લેટરએ તેને અફવા ગણાવી છે અને કહ્યું છે કે તેમાં કોઈ સત્ય નથી અને અમે બંને હજી ખાસ મિત્ર છીએ. માઇકલ સ્લેટરએ એક વરિષ્ઠ પત્રકારને સંદેશ આપ્યો અને કહ્યું કે તે માત્ર એક અફવા છે. હું અને ડેવીડ વોર્નર સારા મિત્ર છીએ અને રહીશું. અમારી વચ્ચે લડવાની ઝીરો સંભાવના છે. ડેવિડ વોર્નર જે બીસીસીઆઈથી ઉપલબ્ધ કરવામાં આવેલા ચાર્ટરથી સીધા માલદીવ પહોંચેલા ૪૦ ઓસ્ટ્રેલિયન દળનો એક ભાગ છે. તેમણે આ અહેવાલોનો સીધો ઇનકાર પણ કર્યો અને કહ્યું કે આ અફવાઓનો કોઈ અર્થ નથી. વોર્નરે મેસેજ લખ્યો કે મને ખબર નથી કે ત્યાં કોઈ નાટક થયુ હતું. મને ખબર નથી કે તમને આ ચીજો ક્યાંથી મળી છે. અને તે પણ જ્યારે તમે અહીં જાતે હાજર પણ ન હોવ. અમારી વચ્ચે કંઇ બન્યું નથી અને તમે નક્કર પુરાવા વગર કંઈપણ લખી શકો નહી.