વડોદરા, તા. ૬

અકોટા વિસ્તારના ગણેશ મંદિર પાછળ સિંધરા એપાર્ટમેન્ટમાં પત્ની અને બે સંતાનો સાથે રહેતા અયાજએહમદ અબ્દુલરજાક શેખ ઓપી રોડ પર બ્લ્યુ ડાર્ટ કુરિયર કંપનીમાં ફરજ બજાવે છે. ગઈ કાલે રાત્રે અયાજએહમદ તેમની ૩૮ વર્ષીય પત્ની શાહીનબેન સાથે બાઈક પર તાંદલજા વિસ્તારમાં સાઢુભાઈના ઘરે જવા માટે નીકળ્યા હતા. આશરે પોણા નવ વાગે તે મુજમહુડા-અકોટારોડ પર આરસી એસ્ટેટ પાસે આવેલા નાયરા પેટ્રોલપંપ પરથી બાઈકમાં પેટ્રોલ પુરાવીને આગળ જતા હતા તે સમયે મુજમહુડા તરફથી પુરઝડપે આવેલી એક બીએમડબલ્યુ કારના ચાલકે તેની કાર બાઈકના આગળના ભાગે ધડાકાભેર ભટકાવી હતી. આ અકસ્માતમાં બાઈકસવાર દંપતી હવામાં ફંગોળાઈને રોડ પર પટકાયું હતું જેમાં શાહીનબેનને માથામાં ગંભીર ઈજાઓ પહોંચતા તે બેભાન થયા હતા. કાર એટલા જાેરથી ભટકાઈ હતી કે અયાજએહમદની બાઈકનો ખુડદો બોલાઈ ગયો હતો.

અકસ્માતના પગલે કારચાલકે તુરંત દંપતી પૈકી પતિની પુછપરછ કરી હતી પરંતું તેણે ચિક્કાર દારૂનો નશો કર્યો હોવાની જાણ થઈ હતી. આ દરમિયાન ઘટનાસ્થળે આવી પહોંચેલી ૧૦૮ એમ્બ્યુલન્સમાં દંપતીને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડાયું હતું જેમાં સારવાર દરમિયાન આજે સવારે આઈસીયુમાં દાખલ શાહીનબેનનું મોત નિપજ્યું હતું. બીજીતરફ અકસ્માતની જાણ થતાં ઘટનાસ્થળે જેપીરોડ પોલીસ દોડી આવી હતી. પોલીસ તપાસમાં કારચાલક સ્નેહલ જિગ્નેશભાઈ પટેલ (અમ્બિકા નિકેતન સોસાયટી, માણેજા ક્રોસીંગ, મકરપુરા) તેમજ તેની સાથે કારમાં બેઠેલા તેના ત્રણેય મિત્રોએ દારૂનો નશો કર્યો હોવાની જાણ થતાં પોલીસે ઉક્ત ચારેયની ધરપકડ કરી હતી. પોલીસે આ પૈકી અયાજએહમદની ફરિયાદના પગલે સ્નેહલ પટેલ વિરુધ્ધ ડ્રિન્કસ એન્ડ ડ્રાઈવ તેમજ અકસ્માત કરી મોત નિપજાવવાનો ગુનો નોંધ્યો હતો. પોલીસે સ્નેહલ પાસેથી નંબરપ્લેટ વિનાની નવીનક્કોર આશરે ૬૫ લાખ રૂપિયાની કિંમતની બીએમડબલ્યુ કાર પણ જપ્ત કરી હતી. સ્નેહલે જણાવ્યું હતું કે છાણી ખાતે કારના શો રૂમમાં ફરજ બજાવતો હતો અને ત્રણેક દિવસથી તેની મુજમહુડા ખાતે શો રૂમમાં બદલી કરાઈ છે. આ કારનો હજુ આરટીઓ રજીસ્ટ્રેશન નંબર નથી આવ્યો જેથી આ નંબરની કાર્યવાહી માટે ગ્રાહકે કાર શો રૂમમાં આપી હતી.

કાર મહારાષ્ટ્રના વેપારી જગદીશ માળીની માલિકીની

નવી નક્કોર બીએમડબલ્યુ કારથી બાઈકસવાર દંપતીને અડફેટે લઈ પત્નીનું મોત નિપજાવવાના બનાવમાં એવી વિગતો સપાટી પર આવી છે કે ઉક્ત નવીનક્કોર બીએમડબલ્યુ કાર મહારાષ્ટ્રના વેપારી જગદીશ માળીની માલિકી છે અને તેમણે આરટીઓ નંબરની કામગીરી માટે કાર શો રૂમમાં આપી હતી. પોલીસે જગદીશ માળીને તેમની કારથી અકસ્માતમાં મહિલાનું મોત થયાની જાણ કરતા તે ચોંકી ઉઠ્યા હતા અને તેમણે બે દિવસ બાદ આ બનાવમાં નિવેદન આપવા માટે વડોદરા આવશે તેમ પોલીસને જણાવ્યું હતું.

ચારેય મિત્રોએ અલગઅલગ સ્થળે નશો કર્યોનું રટણ

 બીએમડબલ્યુ કારના ચાલક સ્નેહલ પટેલ તેમજ તેના ત્રણ મિત્રો વિશાલ ઘોંડીરામ મોર (દર્શનમ એવન્યુ, પરશુરામ ભટ્ટાની બાજુમાં સયાજીગંજ), સદ્દામ મોહંમદઅલી શેખ (રીઝવાન ફ્લેટ, તાંદલજા મુળ છોટાઉદેપુર) અને મકસુદ મીરસાહબ સિંન્ધા (સોહીલપાર્ક, મરિયમપાર્ક સામે ,તાંદલજા)એ પણ નશો કર્યો હોઈ આ ત્રણેયની પણ ધરપકડ કરાઈ હતી. જાેકે તેઓએ એવો લુલો બચાવ કર્યો હતો કે તેઓએ ભેગા થઈ કોઈ પાર્ટી કરી નથી પરંતું અલગ અલગ સ્થળેથીથી દારૂ પીને મુજમહુડા ભેગા થયા હતા અને ત્યાંથી આમલેટ ખાવા માટે અકોટા જતા હતા.