વડોદરા : શનિવારના રોજ બપોરના સમયે ગોત્રી અંબિકાનગરમાં રહેતા લક્ષ્મીબેન તિવારી ઈન્કમટેક્સ વિભાગમાં નોકરી કરતાં હોઈ આજે બપોરે તેઓ નોકરી પરથી ઘરે જવા માટે અલકાપુરી ભારત પેટ્રોલ પંપ પાસે વાહનની રાહ જાેઈને ઊભાં હતાં. એ દરમિયાન અજાણ્યા બે શખ્સો બાઈક લઈને લક્ષ્મીબેન પાસે પાછળથી ધસી આવ્યા હતા. લક્ષ્મીબેન કંઈ પણ વિચારે એ પહેલાં જ બે શખ્સો પૈકી બાઈક પાછળ સવાર શખ્સે પાછળના ભાગેથી હાથ નાખીને દોઢ તોલાનો અછોડો તોડીને પલાયન થઈ ગયા હતા. સરદારજી જેવા લાગતા હોવાથી આ બનાવને પગલે મહિલાએ બૂમાબૂમ કરતાં લોકો મદદે દોડી આવ્યા હતા, પરંતુ અછોડાતોડ ગઠિયાઓ ભાગી છૂટયા હતા. આ અંગેની જાણ ગોત્રી પોલીસ મથકને કરતાં પોલીસનો કાફલો ઘટનાસ્થળે આવી પહોંચ્યો હતો અને નજીકમાં લગાવેલા સીસીટીવી ફુટેજના આધારે તપાસ કરી ક્રાઈમ બ્રાન્ચ, એન્ટીચેઈન સ્નેચિંગ સ્કવોર્ડ, એસઓજી, પીસીબીની ટીમો સક્રિય બની હતી. જેને આધારે આજવા રોડ ગુરુદ્વારા પાસેથી પલ્સર બાઈક સાથે ક્રાઈમ બ્રાન્ચની ટીમે અછોડાતોડ બે શખ્સો રાજવીરસિંગ હરજીતસિંગ સિકલીગર (રહે. આજવા રોડ, દત્તનગર) અને કિરપાલસિંગ જીવણસિંગ સિકલીગરને દબોચી લીધા હતા. સોનાનો અછોડો કિંમત રૂા.૬૦,૦૦૦, બે મોબાઈલ કિંમત રૂા.૧૫,૦૦૦, એક નાનો વજનકાંટો અને ગુનામાં વપરાયેલ બાઈક સહિત કુલ રૂા.૯૫,૫૦૦નો મુદ્‌્‌ામાલ કબજે કર્યો હતો.