રાજકોટ-

કોરોનાની બીજી લહેરમાં લોકો માનસિક સમસ્યાના શિકાર બની રહ્યાં છે. જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મોનવિજ્ઞાન ભવનમાં મનોચિકિત્સકોને લોકો ફોનથી મારો ચલાવી રહ્યાં હોય તેના પરથી સાબિત થાય છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનના અધ્યાપકોને સતત ફોન આવી રહ્યાં છે. એક મહિલાએ ફોન કરીને જણાવ્યું હતું કે, મારા પતિને કોઈ વ્યસન જ નહોતું પણ ખબર નહિ ક્યાં વાંચી આવ્યા કે હવે તમાકુના અર્કમાંથી વેક્સિન કે દવા બનશે. ત્યારથી એણે તમાકુ ખાવાનું શરૂ કર્યુ છે. મેં પૂછ્યું તો કે અર્કમાંથી જ જાે દવા કે રસી બનવાની હોય તો તમાકુ સીધું ખાઈએ તો શું તકલીફ? હવે આમને કેમ સમજાવવા?

લોકો કહી કહી રહ્યાં છે કે સાહેબ જેટલી કહો એટલી ફી આપવા તૈયાર છીએ પણ તમે ઘરે આવો, તેઓ મનથી ભાંગી ગયા છે તેમને હિંમત આપો નહિતર અમારું જીવતર બદતર થઇ જશે. બીજા એક ફોનમાં એવી વાત કરવામાં આવે છે કે, બે ભાઈ વચ્ચે એક જ સંતાન છે મારા ભાઈને કોરોના થયો છે, ભાભી એમ જ રટ્યા કરે છે કે જાે એમને કાંઈ થશે તો હું આ બાળક સાથે આત્મહત્યા કરીશ. અન્ય એક ફોન આવે છે અને કહે છે કે, સંયુક્ત ફેમિલીમાં રહીએ છીએ. ૧૪ વ્યક્તિનું ફેમિલી છે, ૧૧ જણા પોઝિટિવ છે. કોઈ કોઈનું ધ્યાન રાખી શકીએ એમ નથી, રોજ રાત્રે સુઈએ ત્યારે બધાને એમ જ વિચારો આવે છે કે સવારે ૧૪-૧૪ હયાત હોઈશું કે કેમ? ખોફનાક ડરમાં સપડાયા છીએ પ્લીઝ...અમારો ડર દૂર કરોને...