અમદાવાદ-

રાજ્યમાં કોરોનાની કપરી સ્થિતિને કારણે હાલ મીની લોકડાઉન વેપારીઓએ સ્વૈચ્છાએ જાહેર કર્યું છે. સરકાર દ્વારા 36 શહેરોમાં રાત્રિ કરફ્યુ લાદવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં નાના વેપારીઓ, ફેરિયાઓ અને રોજનું કમાઈને રોજ ખાનારા લોકોની હાલત કફોડી બની છે. રાજ્યમાં સત્તાવાર રીતે સંપૂર્ણ લોકડાઉન જાહેર કરવામાં નથી આવ્યું છતા લગભગ મોટાભાગની દુકાનો કે ધંધા-રોજગાર કોરોનાને કારણે બંધ કરવાની ફરજ પડી છે. આ પરિસ્થિતિમાં વ્યવસાય કરતા લોકોને આર્થિક તંગીનો સામનો કરવો પડી શકે છે. તેમાં પણ નાના વેપારીઓ અને ફેરિયાઓની સ્થિતિ દયનીય બની ગઈ છે. આ લોકોને રાહત મળે તે માટે સ્વૈચ્છિક સંગઠનોએ મુખ્યપ્રધાન વિજય રુપાણીને લેખિત રજૂઆત કરીને યોગ્ય પગલા લેવાની માંગ કરી છે.

કોરોનાના પ્રથમ રાઉન્ડમાં લોકડાઉનને લીધે વેપાર-ધંધાને અગણિત નુકશાન થયું હતું. જેની કળ વળી નહતી ત્યાં કોરોનાનો બીજો રાઉન્ડમાં વેપારીઓને સ્વૈચ્છીક વેપાર-ધંધા બંધ રાખવાની ફરજ પડી રહી છે. વિવિધ સંગઠનો દ્વારા સરકારને કરવામાં આવેલી રજૂઆતમાં જણાવવામાં આવ્યું છે કે, રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે અને તેના કારણે રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા નિયંત્રણોને કારણે લોકોના વેપાર ધંધા પ્રભાવિત થઈ રહ્યા છે. અત્યારે મોટાભાગના લોકો પોતાના ઘરમાંથી કારણ વિના બહાર નીકળવાનું ટાળે છે. આ સ્થિતિમાં નાના પાયે ધંધો કરનારા, ફેરિયા વર્ગને ગુજરાન ચલાવવામાં ફાંફા પડી રહ્યા છે. સમાજનો એક મોટો વર્ગ આર્થિક તંગીનો સામનો કરી રહ્યો છે. જો આ સ્થિતિ લાંબા સમય સુધી ચાલશે ભૂખમરાનો સામનો કરવો પડી શકે છે.