વડોદરા, તા.૧૭ 

મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીએ શુક્રવારે સુરતમાં ૧૦૦૦ બેડની ક્ષમતા વાળી કોરોના ડેડીકેટેડ હોસ્પિટલનું ઈ- લોકાર્પણ કરી દીધુ. આ પ્રસંગે મુખ્યમંત્રીએ ગુજરાતમાં સુદ્રઢ આરોગ્ય સુવિધાઓ-પગલાંઓથી કોરોના સંક્રમણનો ફેલાવો અન્ય રાજ્યોની તુલનાએ અટકયો હોવાનો દાવો કર્યો.

સુરતમાં નવી સિવીલ હોસ્પિટલ કેમ્પસમાં નિર્માણાધિન સ્ટેમસેલ હોસ્પિટલમાં ૧૦૦૦ બેડની કોવિડ-૧૯ ડેડીકેટેડ હોસ્પિટલ માત્ર ૧૫ દિવસમાં ઊભી કરાઇ છે. મુખ્યમંત્રી વિજય રુપાણીએ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલની હાજરીમાં ગાંધીનગરથી ઇ-લોકાર્પણ કર્યુ. આ કોવિડ હોસ્પિટલમાં ૨૧૧ બેડ સાથે ૧૦૦૦ પથારીની સુવિધાઓ કોરોના સંક્રમિત દર્દીઓની સારવાર માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે. મુખ્યમંત્રીએ ૪ જુલાઇએ સુરતની કોરોનાની સ્થિતિની સમીક્ષા માટે લીધેલી મૂલાકાત વેળાએ આ હોસ્પિટલ ઊભી કરવા સૂચનાઓ આપી હતી. જેનો ખૂબ જ ટૂંકાગાળામાં ત્વરિત અમલ કરીને સુરત જિલ્લા તંત્ર અને આરોગ્ય વિભાગે સ્ટેમલેસ હોસ્પિટલ ખાતે આ કોવિડ ડેડીકેટેડ હોસ્પિટલ તૈયાર કરી દીધી. સીએમ વિજય રૂપાણીએ માત્ર ૧૫ જ દિવસમાં ઝડપી અને અસરકારક કામગીરી માટે આરોગ્ય તંત્ર અને જિલ્લા વહિવટીતંત્રને અભિનંદન પાઠવ્યા છે.

આરોગ્ય રાજ્યમંત્રી કિશોર કાનાણીએ સુરતમાં આ હોસ્પિટલ તકતીનું પ્રત્યક્ષ અનાવરણ કરીને તેને ખૂલ્લી મૂકી હતી. મુખ્યમંત્રીએ વિશ્વવ્યાપી મહામારી કોવિડના સંક્રમણને ગુજરાતમાં રાજ્ય સરકારના આરોગ્યલક્ષી આયોજનબદ્‌ધ પગલાંઓથી વ્યાપક પ્રમાણમાં ફેલાતો અટકાવી શકાયો છે તેમ સ્પષ્ટપણે ઉમેર્યુ હતું. તેમણે કહ્યું કે, રાજ્યમાં કોરોના સંક્રમિત દર્દીઓની સારવાર-સુશ્રુષા માટે કયાંય કોઇ બેડ નથી તેવી ફરિયાદ નથી આવતી અને હાલમાં ૧૯ હજારથી વધુ પથારીની હોસ્પિટલો વેન્ટિલેટર્સ અને દવાઓ સહિતની સુવિધાઓ પર્યાપ્ત મળી રહી છે. સુરતમાં સરકારી હોસ્પિટલમાં ૧૫૦૦, ખાનગી હોસ્પિટલમાં ૮૦૦ બેડ્‌સ ઉપલબ્ધ હતા જેમાં આજે ૧૦૦૦ બેડ્‌સનો ઉમેરો કરવામાં આવ્યો છે. આમ કુલ ૩૩૦૦થી વધુ બેડ્‌સ સુરતમાં ઊભા કરવામાં આવ્યા છે.